બોટાદ શહેર અને જિલ્લાના મોટા ભાગના માર્ગો લાંબા સમયથી ખખડધજ હાલતમાં
- ગૌરવ પથની હાલત પ્રત્યે સત્તાધીશો દ્વારા કરાતા આંખ મિચામણા
- ખોડિયારનગર સહિતની અનેક સોસાયટીઓ આજની તારીખે પ્રાથમિક સુવિધાઓથી વંચિત
બોટાદ,29 ડીસેમ્બર 2019 રવિવાર
બોટાદ જિલ્લાના અનેક માર્ગો લાંબા સમયથી તદ્રન બિસ્માર હાલતમાં છે. જે પૈકી કેટલાક માર્ગો રિકાર્પેટ કરવાની તાતી આવશ્યકતા છે. જયારે કેટલાક માર્ગો તો આઝાદી પછી પણ શહેરોની સાથે પણ જોડાયેલ નથી જેના કારણે વાહનચાલકોને તેમજ નાગરિકોને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે.
બોટાદ શહેરના રેલ્વે સ્ટેશન પાસેથી ખોડીયારનગર નં.૧ અને ૨ સોસાયટીમાં તંત્ર દ્વારા આજની તારીખે પણ રોડ અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. અહિં ઈન્ટરનલ ગટરલાઈન અને રસ્તાઓના કામ વહેલી તકે હાથ ધરવામાં આવે તે જરૂરી છે. બોટાદ શહેરમાં ટાવર રોડથી સ્ટેશન રોડ (ગૌરવપથ)ની હાલત ખખડધજ થઈ ગઈ છે. આ બારામાં ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા આ ગંભીર બાબતે આંખ મિંચામણા કરવામાં આવી રહ્યા છે.આ અને અન્ય માર્ગો અંગે શહેરી વિકાસ મંત્રીને રજુઆત કરાતા તેઓએ આજથી નવ માસ પૂર્વે આ માર્ગ મંજુર પણ કર્યો હતો બાદ આજની તારીખે પણ આ કામ આગળ વધ્યુ નથી.
જયારે બોટાદથી પાળિયાદની વિહળાનાથજીની જગ્યા સુધીનો તેમજ બોટાદથી ગઢડા (સ્વા.) સુધીનો રસ્તો કાર્પેટ કરવાની પણ આવશ્યકતા છે. ગઢડા (સ્વા.)તાલુકાના હામાપરથી ઈંગોરાળા અને પીપળીયાનો રસ્તો તેમજ ટાટમથી ઈંગોરાળા, ભાંભણથી હામાપર વ. માર્ગો આઝાદી બાદ બનાવવામાં આવ્યા નથી અને આ તમામ ગામો શહેરથી વિખુટા પડી ગયા છે. જે પ્રારંભે ૧ ફુટ ખોદકામ કરી ક્રોક્રીંટ કરીને ડામર પેવર ડબલપટ્ટી કરવી જોઈએ.
કુંભારા ગામથી રંગપુરનો અડધો રસ્તો બનાવાયો છે. જે રંગપુરથી કુંભારા જતા સીમતલાવડી સુધીનો બાકી છે તે બનાવવા અને રંગપરથી દેવધરી સુધીના કાચા માર્ગની બંને સાઈડ વધારીને ક્રોક્રિંટ કરીને ડામર પેવર બનાવવો જોઈએ. તેમજ રાણપુરના ખસ ગામથી બોટાદને જોડતો રસ્તો ડબલપટ્ટી બનાવીને રીકાર્પેટ કરવા,ખસ પોલારપુર (ભીમનાથ) સુધીનો રસ્તો રીકાર્પેટ કરવાની જરૂરીયાત છે. જયારે બોટાદ પાળીયાદ રોડ પર રચીતનગરની પાછળ આવેલ ઉમા પાર્ક-૪ ના ઈન્ટરનલ રસ્તા અંગે અગાઉ તમામ રસ્તાઓ મંજુર કરાયા હતા. જેમાંથી એક રસ્તો બાકી રહી ગયેલ. તે અંગે પણ વારંવાર રજુઆતો કરાઈ હતી. તેમ છતા તેનું પરિણામ શૂન્ય જ આવેલ છે.