તળાજાના મીઠીવીરડી ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ, રૂ. 13 લાખનો મુદ્દામાલ જપ્ત
- ખાણ ખનીજ વિભાગે ખાનગી બાતમીના આધારે રેઈડ કરી
- મીઠીવીરડી ગામના 3 શખ્સ ખનીજ ચોરી કરતા હતા, રેતી ચાળવાના 4 ચાણ સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો
ભાવનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીને મળેલી ખાનગી બાતમીના આધારે આજે મંગળવારે સવારે ખનીજ વિભાગની ટીમે તળાજા તાલુકાના મીઠી વીરડી ગામ ખાતે ગૌચર જમીનમાંથી ગેરકાયદે રેતી ખનીજ પ્રવૃત્તિ અંગે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન રેતી ચાળવાના કુલ ૪ ચાણના તેમજ ચાણના સાથે ફિટ થયેલ સાધન/સામગ્રી મળી કુલ રૂ. ૧૩ લાખનો મુદામાલ અશ્વિનભાઈ મગનભાઈ ડાભી, અશોકભાઈ ઘુસાભાઈ દિહોરા અને નરશીભાઈ ધીરૂભાઈ ડાભી (રહે. ત્રણેય મીઠી વીરડી) પાસેથી જપ્ત કર્યો હતો. આ મુદ્દામાલ અલંગ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યો છે.
મીઠીવીરડી ગામની ગૌચરની જમીનમાં આશરે પથી ૬ માસથી રેતી ચોરી કરવામાં આવતી હતી અને ખુબ જ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી હોવાનુ ચર્ચાય રહ્યુ છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી કરી દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખનીજ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ખાણ ખનીજ વિભાગે રેઈડ કરતા ખનીજ માફીયાઓમાં ફફડાટ મચી જવા પામેલ છે ત્યારે હજુ ખનીજ ચોરી અટકાવવા માટે તપાસ કરી કડક પગલા લેવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.