સિહોરના શખ્સની વેપારી સાથે લાખોની છેતરપિંડી
- ધંધુકાના લોખંડના વેપારીને પેમેન્ટના ખોટા વાયદા કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલું
- 15 દિવસ પૂર્વે અમરેલી એલસીબીએ શખ્સને ઉઠાવી લીધા બાદ ઠગભગતની સાચી ઓળખ છતી થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકા શહેરના નંદનગરમાં રહેતા અને રામટેકરી, રામજી મંદિર પાસે મહાવીર સ્ટીલ નામની દુકાન ચલાવી લોખંડનો વેપાર કરતા હર્ષદકુમાર કનૈયાલાલ વોરા (ઉ.વ.૫૩)ને ગત તા.૧૮-૪ના રોજ એક શખ્સે કિશોર રૂપારેલિયાનું ખોટું નામ ધારણ કરી ૧૧ ટન, ૨૦ કિલો લોખંડના સળિયા વાલીંડા ગામે મંગાવી સળિયાના દેવાના થતાં રૂા.૭,૩૨,૧૦૦નું પેમેન્ટ ન કરી બાકીના રૂપિયા બાબતે ખોટા વાયદા આપી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. સાડા છ માસ પૂર્વે વેપારી સાથે શખ્સે કરેલી છેતરપિંડી બાદ ગત તા.૨૧-૧૦ના રોજ અમરેલી એલસીબીની ટીમે અનેક લોકો સાથે છેતરપિંડી આચરનાર શૈલેષ કાળીસદાસ જોષી/વેદાણી (રહે, શર્મા પાર્ક, ઘાંઘળી રોડ, સિહોર) નામના શખ્સની ધરપકડ કરી હતી. જેનો ફોટો વોટ્સએપમાં આવતા વેપારી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી આચરનાર અને કિશોર રૂપારેલિયાનું ખોટું નામ ધારણ કરનાર શખ્સ જ હોય, હર્ષદકુમાર વોરાએ તેની વિરૂધ્ધ ગઈકાલે શનિવારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૪૨૦ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.