કુંભારા નજીક ટ્રિપલ અકસ્માતમાં પરપ્રાંતિય યુવકનું મોત, 1 ને ઈજા
- બાઈક સાથે અકસ્માત સર્જ્યા બાદ અચાનક બ્રેક મારતા આઈસર સાથે પણ ટ્રક ભટકાયો
- હરિયાણાના બે મિત્રો અનાજ કાઢવાના કટર મીશનનો સામાન લઈ પાળિયાદથી સરવા આવી રહ્યા હતા
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ તાલુકાના સરવા ગામે હેમુભાઈ વશરામભાઈ મેરની હોટલમાં રહીં છેલ્લા ૧૫ દિવસથી અનાજ કાઢવાના કટર મશીનનું કામ કરતા રોશનલાલ કરતારાસિંહ રોડ (મરાઠી) (ઉ.વ.૪૦, રહે, મુળ જની (૫૪), તા.જિ.કરનાલ, હરિયાણા) અને તેમના મિત્ર સતપાલસિંહ રિહાલસિંહ રોડ રહે, (રહે, જની (૫૪), તા.જિ.કરનાલ, હરિયાણા, હાલ પાળિયાદ) નામના બે યુવાન ગઈકાલ તા.૪-૩ને સોમવારે સરવા ગામેથી તેમની બાઈક નં.જીજે.૦૫.એડી.૨૩૧૪ લઈ પાળિયાદ ગામે કટર મશીનનો સામાન લેવા ગયા બાદ રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પરત સરવા ગામે જવા નીકળ્યા હતા. ત્યારે પાળિયાદ-વિંછીયા રોડ પર કુંભારા ગામ નજીક આવેલ હોટલ રાજશક્તિ સામે પહોંચતા વિંછીયા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં.જીજે.૨૬.ટી.૫૨૬૮ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જ્યા બાદ અચાનક બ્રેક મારતા આઈસર નં.જીજે.૦૫.એટી.૧૨૫૭ સાથે પણ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતના બનાવમાં સતપાલસિંહ રોડને ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે રોશનલાલ રોડને અર્ધબેભાન અવસ્થામાં સારવાર અર્થે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત રોશનલાલએ અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક નં.જીજે.૨૬.ટી.૫૨૬૮ના ચાલક સામે પાળિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૩૦૪એ, ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.