Get The App

ભાવનગર શહેરને મેઘરાજાની હાથતાળી, ગારિયાધાર, સિહોરમાં એક ઈંચ વરસાદ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેરને મેઘરાજાની હાથતાળી, ગારિયાધાર, સિહોરમાં એક ઈંચ વરસાદ 1 - image


- પાલિતાણા પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટું વરસ્યા પછી બપોર બાદ પણ સારો વરસાદ નોંધાયો

- ભાવનગર શહેરમાં બપોર બાદ કાળાડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ જામ્યું, અમુક વિસ્તારમાં વરસાદ અમુક વિસ્તાર કોરાં ધાકોડ

ગારિયાધાર/પાલિતાણા/સિહોર : ભાવનગર જિલ્લાના ગારિયાધાર, પાલિતાણા અને સિહોર તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાના પ્રારંભથી જ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ આ ત્રણ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લાના બાકીના તાલુકા મથકોમાં હજુ જોઈએ એવો વરસાદ પડયો નથી. આજે બપોર બાદ ભાવનગર  શહેરમાં કાળાડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાયો હતો અને થોડીવારમાં ધોધમાર વરસાદ પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ શહેરના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યા બાદ વાદળો વિખેરાઈ ગયા હતા અને વાદળછાયા વાતાવરણ સાથે પવનની ગેરહાજરીથી બફારો અનુભવાયો હતો.

ચોમાસાના વિધિવત્ આગમાન બાદ પણ હજુ ભાવનગર શહેરને મેઘરાજા હાથતાળી આપતા હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. ચોમાસાના પ્રારંભથી આજ સુધીમાં જિલ્લાના ગારિયાધાર, સિહોર અને પાલિતાણા તાલુકામાં સારો વરસાદ પડયો પરંતુ ભાવનગર શહેર અને જિલ્લાના બાકીના તાલુકામાં હજુ જોઈએ એવો વરસાદ પડયો નથી. ભાવનગર શહેરમાં આજે  બપોર બાદ કાળાડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ માહોલ સર્જાયો હતો અને થોડીવારમાં ધોધમાર વરસાદ પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ગાજ્યા મેઘ વરસ્યા નહી તેની જોવો ઘાટ સર્જાયો હતો અને શહેરના ભરતનગર, રિંગરોડ, શિવાજી સર્કલ, મોખડાજી સર્કલ, સિંધુનગર, ઘોઘા સર્કલ, કાળાનાળા સહિત શહેરના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું વરસ્યા પછી વાદળો વિખેરાઈ ગયા હતા અને ફરી તડકો નિકળતા લોકો નિરાશ થયાં હતા. શહેર ઉપરાંત આજે જિલ્લાના ગારિયાધાર પંથકમાં વહેલી સવારે અને બપોર પછી સારો વરસાદ પડયો હતો. આજે દિવસ દરમિયાન ગારિયાધાર પંથકમા ૨૮ મીમી (એક ઈંચ) વરસાદ નોંધાયો હતો. બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી ખેતીના પાક માટે ખુબ સારી હોવાથી પંથકમાં કાચું સોનું વરસતું હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ જણાઈ રહ્યાં છે. ગારિયાધાર સિવાય સિહોર પંથકમાં બપોર બાદ ૨થી ૪ વાગ્યા વચ્ચે ૨૮ મીમી (એક ઈંચ) વરસાદ નોંધાયો હતો. સિહોર શહેર ઉપરાંત ગ્રામ્યપંથકના વાડી વિસ્તારમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તેમજ પાલિતાણામાં આજે સવારે અને બપોર બાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું. પાલિતાણા પંથકમાં આજે દિવસ દરમિયાન ૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જેસરમાં પણ આજે બપોર બાદ ૨ મીમી વરસાદ નોંધાયો હતો. શેત્રુંજી ડેમના ઉપરવાસના વિસ્તારો ગારિયાધાર અને પાલિતાણા પંથકમાં વરસાદના કારણે આગામી દિવસોમાં શેત્રુજી ડેમમાં હજુ વધારે નવા નીરની આવક થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા તેમજ તે પછીના બે દિવસ ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

શહેરમાં ધીમા પવન, વાદળછાયા વાતાવરણથી બફારો

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે પવનની ઝડપ ૪ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને ૧૨ કિમી પ્રતિકલાક સુધીની રહી હતી. તેમજ આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા હતું જે દિવસ દરમિયાન સામાન્ય ઘટાડા સાથે ૬૫ ટકા નોંધાયું હતું. શહેરમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ સાથે ધીમા પવન અને વધારે પ્રમાણમાં ભેજ રહેતા વાતાવરણમાં બફારો અનુભવાતા લોકો અકળાયા હતા.


Google NewsGoogle News