Get The App

ઠંડીની તીવ્રતા વધતા ગોહિલવાડમાં શિયાળુ પાકના વાવેતરને મહત્તમ ફાયદો

Updated: Dec 5th, 2022


Google NewsGoogle News
ઠંડીની તીવ્રતા વધતા ગોહિલવાડમાં શિયાળુ પાકના વાવેતરને મહત્તમ ફાયદો 1 - image


- ઘંઉ અને ધાણાના વાવેતરમાં બમણો વધારો થવાની શકયતા

- સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધવાથી ઘંઉ, બાજરી, ચણા, ધાણા અને જીરૂ સહિતના રવિપાકના વાવેેતરમાં વધારો થશે

ભાવનગર : ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા સપ્તાહથી શિયાળાની ઋુતુએ તેનો અસલી મિજાજ દેખાડવાનું શરૂ કર્યુ છે. ગોહિલવાડમાં ઠંડી જામતા શિયાળુ વાવેતરમાં ગરમાવો આવી રહ્યો છે. ઠંડીની તિવ્રતાથી રવિપાકને મહત્તમ સફળતા મળતી હોય છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોમાં હાલ વિધાનસભાની ચૂંટણી  અને ખાસ કરીને ધમધમતી લગ્નસરાની સિઝનને લઈને મગફળી, કપાસ સહિતના કૃષિપાકની આવકમાં અસર પહોંચી છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી દિન પ્રતિદિન ઠંડીનું આક્રમણ વધી રહ્યુ છે અને ગરમીનું પ્રમાણ ઘટી રહ્યુ હોય શિયાળાની ઋુતુએ ખરા અર્થમાં વેગ પકડતા જિલ્લાભરમાં શિયાળુપાકના વાવેતરમાં ગરમાવો આવી  રહ્યો છે. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી ફેબુ્રઆરી દરમિયાન સુકા અને ઠંડા પવન વાતા હોય હવામાં ભેજનું પ્રમાણ ઓછુ હોય છે. તેના પરિણામે શિયાળાની ખુશનુમા અને આરોગ્યપ્રદ હવા વિવિધ શિયાળુ પાકના ઉત્પાદન માટે ફાયદાકારક રહેતી હોય છે. તેથી ઠંડીનું પ્રમાણ વધવાથી ઘંઉ, બાજરી, ચણા, રાઈ અને વટાણા વગેરે રવિપાકને ફાયદો થશે.ખેતીવાડી શાખાના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગર સહિત રાજયભરમાં ૨૫.૧૮ લાખ હેકટરમાં વાવેતર થઈ ગયેલ છે અને ૫૬ ટકા વાવણી પૂર્ણ થઈ હોય આ રવિપાકની સિઝનમાં ઘંઉ અને ધાણાના વાવેતરમાં બમણો વધારો થવાની શકયતા જણાઈ રહી છે. ગત ડિસેમ્બર-૨૦૨૧ના સમયગાળામાં વાવણી ૧૫.૧૪ લાખ હેકટરમાં હતી. પ્રતિ વર્ષે રાજયમાં એક અંદાજ મુજબ ૪૫ લાખ હેકટરમાં વાવેતર થતુ હોય છે. જેમાં ઘંઉનો પાક અગ્રતા ક્રમે આવે છે. ગત તા.૨૮,૧૧ સુધીમાં ૫.૭૬ લાખ હેકટરમાં વાવણી થઈ ગઈ છે. જે સામાન્ય કરતા ૪૩ ટકા છે. રાજયમાં ૧૩ થી ૧૪ લાખ હેકટરમાં સરેરાશ વાવેતર રહેતુ હોય છે. હાલનું વાવેતર અગાઉના વર્ષની તુલનામાં આગળ નિકળી ગયેલ છે. ઘંઉના ભાવમાં ભારે તેજી થઈ છે. ભાવનગર સહિત રાજયભરના મોટા ભાગના માર્કેટીંગ યાર્ડમાં દર કવીન્ટલના રૂા ૨૬૦૦ થી ૨૮૦૦ ના ભાવ પહોંચી ગયા હોય ખેડુતોએ તેમાં વધુ રસ લીધો છે. ગત ચોમાસામાં સંતોષજનક વરસાદ થતા આ વર્ષે સિંચાઈ માટે પાણીની પણ કોઈ સમસ્યા ખેડૂતોને સતાવશે નહિ એટલે જ સૌરાષ્ટ્રમાં ઘંઉ સહિતનો મહત્તમ પાક થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચણાના વાવેતરમાં પણ ધાર્યા જેવો વધારો થયો છે. રાજયમાં ૪.૬૫ લાખ હેકટરમાં વાવેતર પુર્ણ થઈ ગયેલ છે. જે ગત વર્ષમાં ૩.૮૫ લાખ હેકટરમાં હતુ. મંદીની અસર હોવા છતા પ્રારંભિક તબકકામાં આ વાવેતર પ્રોત્સાહક ગણી શકાય. જયારે ડુંગળીનો વિસ્તાર ૩૦,૩૬૨હેકટર સામે ૪૨,૩૩૬ હેકટર રહ્યો છે.તળાજા સહિત રાજયમાં શેરડીનો વિસ્તાર ૧,૦૫ લાખ હેકટર સામે ૧.૧૪ લાખ હેકટર રહ્યો છે. 

મગફળીનો ઉતારો નબળો રહ્યો

ભાવનગર સહિત રાજયભરમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન વાવેતર બાદ લગભગ ૨૮ થી ૩૦ લાખ ટન થશે તેવો ખેડૂત સંસ્થાએ અંદાજ મુકયો હતો. જો કે, પાકમાં નબળી ગુણવત્તા અને નબળા ઉતારો મળવાના લીધે હવે અંદાજે ૨૨ થી ૨૪ લાખ ટન સુધી નીચે આવી ગયો છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવક કુલ મળીને દરરોજ સવા લાખ ગુણ થતી હોય છે. 


Google NewsGoogle News