માસાંતે યુનિ.નું બજેટ મંજૂર ન થાય તો કર્મચારીઓનો પગાર થવામાં મુશ્કેલી
- નવા કુલપતિની નિમણૂક થઇ પણ હાજર થવામાં વિલંબ
- વાર્ષિક બજેટને એ.સી. ઇ.સી. કક્ષાએ પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી નથી, નવા-જુના કુલપતિ પરસ્પર સંકલન કરી પ્રક્રિયા પૂર્ણ કરે તો સમયસર પગાર થવાના એંધાણ
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ કુલપતિથી કાર્યભાર સંભાળી રહી હતી. જો કે, બે વર્ષના સમયગાળા દરમિયાન કાયમી કુલપતિ માટે બબ્બે વખત કુલપતિ પદ માટે અરજીઓ માંગવામાં આવી હતી અને બાદમાં રચાયેલી સર્ચ કમિટીની ભલામણના આધારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગત તા.૧૪ માર્ચના રોજ અંતે અમદાવાદ એલ.એમ. કોલેજ ફાર્મસીના આચાર્ય ડો.મહેશ ટી. છાબરીયાને કુલપતિ પદે નિયુક્ત કર્યાં છે. નવનિયુક્ત કુલપતિ પોતાની જુની સંસ્થાના વહિવટી કામની વ્યસ્તતાને લઇ હજુ સુધી હાજર થયા નથી. જો કે, ચૂંટણી આચારસંહિતાના ગ્રહણના પગલે ઇન્ચાર્જ કુલપતિએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી હતી અને તાબડતોબ બેઠક બોલાવી સ્ટેચ્યુટની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જો કે, આ પ્રક્રિયા બાદ માર્ચ માસ પૂર્ણ થવાના આરે છે છતાં યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ હજુ સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. નિયમોનુસાર વાર્ષિક બજેટને સૈદ્ધાંતિક મંજૂરી આપતા પૂર્વે એ.સી. ઇ.સી. અને બોર્ડમાંથી મંજૂર કરવાનું હોય પરંતુ જે પ્રક્રિયા હજુ સુધી નહીં થતા આગામી માસમાં યુનિવર્સિટીના કર્મચારીઓનો પગાર પણ કરવામાં મુશ્કેલી પડે તેવી શક્યતાઓ સર્જાઇ છે. તો બીજી તરફ એકેડેમીક ફોર્મેશન, ઇ.સી. ફોર્મેશન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ પોલીસી સહિત કોન્વોકેશન જેવા મુદ્દાઓ પર પણ નિર્ણય લેવાનું બાકી છે. ત્યારે નવા કાયમી કુલપતિની યુનિવર્સિટી આતુરતાથી રાહ જોઇ રહી છે. આ અંગે હાલ ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદીએ પણ નવનિયુક્ત કુલપતિ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ પડતર બાબતો અંગે નિર્ણયો લેશે તેમ જણાવી રહ્યા છે. જો ઇન્ચાર્જ કુલપતિ ધારે તો આ મુદ્દાઓ અંગે નવા કુલપતિને વિશ્વાસમાં લઇ બહાલીની અપેક્ષાએ નિર્ણય કરી શકે તેમ છે. પરંતુ નવા-જુના કુલપતિ વચ્ચે નિયમાનુસાર કાર્યવાહીનો આગ્રહ રહેતા સમગ્ર બાબત હાલ ઘોચમાં પડી હોવાનું જણાયું છે.