જાફરાબાદમાં અનેક જર્જરીત મકાનો પડુ પડુ હાલતમાં
- દુર્ઘટનાની પ્રતિક્ષા કરતુ તંત્ર
- નગરપાલિકા નોટીસ આપીને સંતોષ માનશે કે, કડક પગલા ભરશે તેવી લોકોમાં થઈ રહેલી ચર્ચા
અમરેલી જિલ્લા કલેકટર દ્વારા જર્જરિત ઈમારતો ઉતારી લેવા તાકિદ કરાઈ છે તેમ છતાં જાફરાબાદનું તંત્ર આ હકિકત ગંભીરતાથી લેતું નથી. શહેરમાં ઘણા સમય પહેલા એસ.બી.આઈ. બેંકની જૂનવાણી ઈમારત ધરાશાયી થતા છ થી સાત જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાંથી બે જણાના આ ઈમારતના કાટમાળમાં દબાઇ જતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.મૃત્યુ નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત પૈકીના સાતમાંથી એક વ્યક્તિને ગંભીર હાલતમાં ભાવનગરથી અમદાવાદ ખસેડાયા હતા તેનું પણ ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતુ. આ ઘટનામાં ત્રણ માનવ જીંદગી મોતના મુખમાં હોમાઈ હતી ત્યારે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. આ વિસ્તારના અનેક જર્જરીત મકાનોના સર્વે કરી નોટિસ ફટકારાઈ હતી અત્રે અનેક જર્જરીત ઈમારતો પડુ-પડુ થઈ રહેલ છે. ટ્રાફિકથી ધમધમતા બંદર ચોકમાં લાઈબ્રેરીની બાજુની ઈમારત જર્જરીત હાલતમાં છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જાફરાબાદ નગરપાલિકા તાત્કાલિક પગલાં ભરે તેવી લોકમાગ ઉઠી છે.
રાજુલામાં તંત્રની ઝડપી કામગીરી
રાજુલામાં જવાહર રોડ પર જુની મામલતદાર કચેરીની નજીક ધર્મશાળાની પાછળના ભાગનું બિલ્ડિંગ એક વર્ષ પહેલા વાવાઝોડામાં તૂટેલી લટકતી હાલતમાં હતુ. દરમિયાન તે અંગે પ્રચાર માધ્યમો મારફત જાણવા મળતા ડેપ્યુટી કલેકટર દ્વારા રાજુલા નગરપાલિકાના ચિફ ઓફિસરને સુચના અપાતા નગરપાલિકાની ટીમ દ્વારા જર્જરીત બિલ્ડિંગનો તૂટેલો ભાગ હટાવવામાં આવ્યો હતો. ઝડપી કાર્યવાહી કરાતા સ્થાનિક વેપારીઓએ તંત્રવાહકોનો આભાર માન્યો હતો.