શાપરમાં કારખાનેદાર પિસ્ટલ અને 51 કાર્તૂસ સાથે ઝબ્બે,બે દિવસના રિમાન્ડ પર
અન્ય કારખાનેદાર સાથે ઝઘડો થતા ગે.કા.પિસ્તોલ રાખી
ઉત્તર પ્રદેશથી અજય ચૌહાણ નામના શખ્સ પાસેથી રૂ।.૮૦,૦૦૦માં ખરીદી, આરોપી મૂળ ઉત્તરપ્રદેશનો, શાપરમાં ઓટોપાર્ટનું કારખાનુ
રાજકોટ એલ.સી.બી.દ્વારા હથિયારની હેરાફેરીનું મૂળ શોધવા હાથ ધરાતી તપાસ
રાજકોટ : રાજકોટના ગોંડલ રોડ પર આવેલ શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં ઓટોપાર્ટનું કારખાનુ ધરાવતા કૈલાસકુમાર રામસુમીરન શુક્લા બ્રાહ્મણ (ઉ.૫૦ રહે.રાજકોટ,ધરમનગર,શિવમપાર્ક, મૂળ રહે.શુક્લાપુર તા.હૈદરગઢ,જિ.બારાબંકી ઉ.પ્ર.)ને આજે રાજકોટ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક પિસ્ટલ અને ૫૧ જીવતા કાર્તૂસ સાથે ઝડપી લીધો હતો અને હથિયારનું પગેરુ શોધવા આરોપીને કોર્ટમાં રજૂ કરીને સોમવાર સુધી બે દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરાઈ છે.
પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પી.એસ.આઈ.એચ.સી.ગોહિલ અને પોલીસ સ્ટાફે ગંગા ફોર્જીંગ પાસે વોચ રાખીને ઝડપી લઈને પિસ્તલ, જીવતા કાર્ટીસ, કાલી મેગેઝીન, રૂ।.૨૦ લાખની સ્કોર્પિયો, રૂ।.૫૦ હજારનો મોબાઈલફોન સહિત રૂ।.૨૦.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયેલ છે.
પોલીસસૂત્રો અનુસાર આરોપીની પુછપરછમાં તેણે જણાવ્યા મૂજબ તેના કારખાના નજીક એક પટેલ કારખાનેદાર સાથે તેને અગાઉ ઝઘડો થયો હતો, છ-સાત મહિના પહેલા આ અન્વયે આરોપીને મારકૂટ કરવામાં આવી હતી. જેથી ફરી હુમલો થાય તો સ્વરક્ષણ માટે તે ઉત્તર પ્રદેશ જઈને ત્યાંથી રૂ।.૮૦,૦૦૦માં આ પિસ્ટલ અને ૫૧ જીવતા કાર્ટીસ ખરીદ કર્યા હતા. જો કે તેનો હજુ સુધી કોઈ ઉપયોગ નહીં કર્યાનું જણાવ્યું છે. ઉત્તરપ્રદેશમાં અજય ચૌહાણ પાસેથી આ પિસ્ટલ ખરીદાઈ હતી. એક સાથે મોટી સંખ્યામાં જીવતા કાર્તૂસ મળ્યા છે ત્યારે અન્ય કોઈ ગુનાહિત ઈરાદાની પણ તપાસ થઈ રહી છે. ઉત્તરપ્રદેશથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અન્ય કોઈને પણ પિસ્ટલ વેચાઈ છે કે કેમ તે પણ તપાસનો મુદ્દો છે. પકડાયેલી પિસ્તલ ૭.૬ મિમિની એટલે કે ૩૨ બોર આસપાસની છે.