શહેરમાં ફટાકડા, ચીરોળી વગેરેના 150 સ્ટોલને મનપાએ મંજુરી આપી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
શહેરમાં ફટાકડા, ચીરોળી વગેરેના 150 સ્ટોલને મનપાએ મંજુરી આપી 1 - image


- દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ, કમાન માટે મંજુરી નહી લેનાર સામે મનપાની કાર્યવાહી 

- શહેરમાં જાહેર રોડ પર કમાન લગાડવા 30 વેપારીને મંજુરી : મંજુરી લેનાર પાસેથી મનપા ભાડુ વસુલશે અને મંજુરી નહી લેનારના દબાણ દુર કરશે 

ભાવનગર : દિવાળી પર્વ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં ફટાકડા સ્ટોલ, ચીરોળી સ્ટોલ ધમધમવા લાગ્યા છે. ફટાકડા ધારકો રોડ પર મોટી કમાનો લગાડી જાહેરાત કરતા હોય છે તેથી ઘણી કમાનો પણ હાલ જોવા મળી રહી છે. દિવાળી પૂર્વે આ સ્ટોલ શરૂ કરવા તેમજ કમાનો લગાડવા માટે મહાપાલિકાની મંજુરી લેવી જરૂરી છે. કેટલાક લોકોએ મંજુરી લીધી છે પરંતુ જેને મંજુરી લીધી નથી તેની સામે મનપાએ કાર્યવાહી હાથ ધરી છે. 

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ફટાકડા સ્ટોલ કરવા માટે તેમજ રોડ પર કમાનો લગાડવા માટે મહાપાલિકાના એસ્ટેટ વિભાગની મંજુરી લેવી પડે છે. તાજેતરમાં શહેરમાં આશરે ૧પ૦ ફટાકડા, ચીરોળી વગેરે સ્ટોલ ધારકને મંજુરી આપવામાં આવી છે, જયારે આશરે ફટાકડા સહિતના વેપારીઓને ૩૦ કમાન લગાડવા માટે મંજુરી આપવામાં આવી છે તેમ આજે બુધવારે એસ્ટેટ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું. મંજુરી લીધી છે તેની પાસે મહાપાલિકા દ્વાર પર મીટર મુજબ ભાડુ વસુલવામાં આવશે તેથી મહાપાલિકાને થોડી આવક થશે તેમ જણાય રહ્યુ છે. મંજુરી વગર પણ હાલ ઘણા ફટાકડા સ્ટોલ શરૂ થઈ ગયા છે અને કમાનો લગાડવામાં આવી હોવાનુ મહાપાલિકાના ધ્યાનમાં આવતા થોડા દિવસથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાંથી કમાનો કઢાવવામાં આવી હતી અને મંજુરી વગર ટ્રાફીકને અડચણરૂપ દબાણ હટાવવામાં આવી રહ્યા છે તેમ અધિકારીએ જણાવ્યુ હતું. 

શહેરમાં મંજુરી વગર ફટાકડા સ્ટોલ અને કમાનો લાગી છે તેથી મહાપાલિકાને આવક થતી નથી ત્યારે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આ ઉપરાંત રોડ પર ગેરકાયદે દબાણ ઉભા થતા હોય છે ત્યારે મનપાએ લાલ આંખ કરવી જોઈએ તેમ ચર્ચાય રહ્યુ છે. મનપા કેટલાક ગેરકાયદે દબાણ હટાવી સંતોષ માને છે પરંતુ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે. 

મનપાને ભાડાની આશરે રૂ. 3 લાખની આવક થશે 

ભાવનગર મહાપાલિકાએ ફટાકડા સ્ટોલ, ચીરોળીના સ્ટોલ, કમાનો માટે મંજુરી આપી છે. મનપાની જગ્યા પર સ્ટોલ અને કમાન ઉભી કરનાર પાસે મનપા દ્વારા નિયમ મુજબ ભાડુ લેવામાં આવશે. મનપાએ ભાડાની આશરે રૂ. ૩ લાખની આવક થવાની શકયતા છે. મનપા દ્વારા હજુ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવક વધવાની સંભાવના છે.  


Google NewsGoogle News