ચેક રિટર્ન કેસમાં શખ્સને બે વર્ષ સાદી કેદની સજા
લોખંડનો સ્ક્રેપની રકમનો ચેક આપતા બાઉન્સ થયો હતો
ચેકની રકમનું નવ ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા કોર્ટનો હુકમ
ભાવનગર: લોખંડના સ્ક્રેપના વેપારીએ નોંધાવેલી ચેક રિટર્નની ફરિયાદમાં કોર્ટે એક શખ્સને બે વર્ષ સાદી કેદની સજા અને નવ ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા હુકમ કર્યો છે.
શહેરના સંસ્કાર મંડળ, રાજ કોમ્પલેક્ષ, ૩૦૧માં કાલોલ સ્ટીલ એન્ડ એલોય પ્રા. લિ. નામની ઓફિસ ધરાવતા સતપાલ વિલાયતીરામ સિંઘલ પાસેથી મેસર્સ સાંઈબાબા એગ્રી કો.ના માલિક દ્વારકાપ્રસાદ રામમુરત દુબે (રહે, ૩૦૧/૨૦, ઝાલોદ રોડ, ખરોદ, જિ.દાહોદ) નામના શખ્સે રૂા.૭૦,૧૧,૮૮૬ની કિંમતનો લોખંડનો સ્ક્રેપ ખરીદ્યા બાદ તે રકમના ચેક લખી આપ્યા હતા. જે પૈકી એક ચેક રિટર્ન થતાં વર્ષ ૨૦૧૬ની સાલમાં આ અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જે કેસમાં ભાવનગરના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ આર.એમ.ધોડીની કોર્ટમાં સુનવણી થતાં ફરિયાદી પક્ષના વકીલ ચેતન બી. આસ્તિક, નદીમ આર. મહેતર, પ્રકાશ ડી.બોરીચાની દલીલો અને ૧૧ દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને લઈ અદાલતે શખ્સ દ્વારકાપ્રસાદ દુબેને બે વર્ષ સાદી કેદની સજા તેમજ કેસને સાત વર્ષનો સમય થયો હોવાથી ચેકની રકમનું ૯ ટકા વ્યાજ સાથે ફરિયાદીને કુલ રૂા.૮,૧૯,૫૨૧ ચુકવવા હુકમ કર્યો હતો. ચુકાદામાં કોર્ટના જણાવ્યા પ્રમાણે આરોપીએ આર્થિક ગુનો કરેલ છે. ત્યારે પ્રવર્તમાન સમયમાં ધંધાને લગતા તમામ નાણાંકીય વ્યવહારો ચેક ઉપ્ર આધારિત છે. મોટી રકમના નાણાંની લેવડ-દેવડ ચેકથી થાય છે અને આ ચેક ચલણી નોટ જેવો ક્ષતિ રહિત હોવો જોઈએ. એક વખત જો એક વ્યક્તિ, બીજી વ્યક્તિ કે બેન્કને ચેક આપે તો તે ચેકનું અવમૂલ્યન થવું જોઈએ નહીં. ચેક રિટર્ન થાય તો તેનો અર્થ એવા થાય છે, ચેકનું અવમૂલ્ય થયું છે અને તેની કોઈ કિંમત નથી. તેવું કહીં શકાય અને એટલા માટે જ ચેક પરત ફર્યાની ફરિયાદમાં પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ અને સીઆરપીસીની કલમનો લાભ આપવો જોઈએ નહીં