બોરતળાવ રોડ પર યુવાનની હત્યામાં શખ્સને આજીવન કેદ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
બોરતળાવ રોડ પર યુવાનની હત્યામાં શખ્સને આજીવન કેદ 1 - image


- એક વર્ષ પૂર્વે સરાજાહેર ખૂની ખેલ ખેલાયો હતો

- બાઈકના હેન્ડલ સાથે હાથ ભટકાવવા જેવી નજીવી બાબતમાં છરીનો ઘા મારી હત્યા કરવાના કેસમાં કોર્ટનો ચુકાદો

ભાવનગર : શહેરના બોરતળાવ રોડ પર એક વર્ષ પૂર્વે બાઈકના હેન્ડલ સાથે હાથ ભટકાવવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલી બાદ એક યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખવામાં આવી હતી. સરાજાહેર ખેલાયેલા ખૂની ખેલની ઘટનામાં ભાવનગર કોર્ટે એક હત્યારાને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કુમુદવાડી, બોરતળાવ રોડ પર સીતારામ પાનની દુકાન પાસેથી ગત તા.૧૧-૯-૨૦૨૨ના રોજ બપોરના ૩-૩૦ કલાકના અરસામાં પારસભાઈ સુખદેવભાઈ ઝાપડિયા અને તેમના કુટુબી ભાઈ હર્ષદભાઈ ઠાકરશીભાઈ ઝાપડિયા (રહે, બન્ને નીરૂ ડાયમંડ, કુમુદવાડી, બોરતળાવ રો ડ, મુળ ગોગલા, તા.ધોલેરા, જિ.અમદાવાદ) નામના યુવાનો પગપાળા ચાલીને રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે સંતોષ ઉર્ફે સોડા કાનજીભાઈ મકવાણા (ઉ.વ.૨૦, રહે, ઘોઘાજકાતનાકા) અને રવિ ઉર્ફે ભુરો મથુરભાઈ મકવાણા (ઉ.વ.૨૩, રહે, રેલવે હોસ્પિટલ પાછળ, મેપાનગર) નામના શખ્સો બાઈક લઈ નીકળતા હર્ષદભાઈનો હાથ બાઈકના હેન્ડલ સાથે ભટકાયો હતો. જે વાતને લઈ બોલાચાલી થતાં સંતોષ નામના શખ્સે તેની પાસે રહેલ છરી કાઢી હર્ષદભાઈ ઝાપડિયાને પેટના ભાગે મારી દઈ આંતરડા બહાર કાઢી નીચે પછાડી દીધા હતા. જો કે, ગંભીર ઈજા હોવા છતાં ઈજાગ્રસ્તે શખ્સનો પગ પકડી રાખતા તેની સાથે રહેલો રવિ ઉર્ફે ભુરો મકવાણાએ હર્ષદભાઈને મોઢાના ભાગે પાટા મારી મુંઢ ઈજા કરી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તનું મૃત્યુ થતાં મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જે અંગે પારસભાઈ ઝાપડિયાએ બન્ને શખ્સ સામે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી બન્ને શખ્સની ધરપકડ કરી હતી.

દરમિયાનમાં આ કેસ આજે શનિવારે ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓને ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી સંતોષ ઉર્ફે સોડા કાનજીભાઈ મકવાણાને આઈપીસી ૩૦૨ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા, રૂા.૧૦,૦૦૦ રોકડનો દંડ તેમજ જીપીએ ૧૩૫ મુજબના ગુનામાં ત્રણ માસની કેદ, રૂા.૧૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કરાયો હતો.


Google NewsGoogle News