Get The App

મહુવા પંથકની યુવતીને મારી નાંખવાના પ્રયાસમાં શખ્સને 3 વર્ષ સખતની કેદ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
મહુવા પંથકની યુવતીને મારી નાંખવાના પ્રયાસમાં શખ્સને 3 વર્ષ સખતની કેદ 1 - image


- પરિવારજનોએ સગાઈ કરવાની ના પાડતા યુવતીએ પ્રેમસબંધ તોડી નાંખ્યો હતો

- સાડા પાંચ વર્ષ પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના શખ્સે યુવતીને ગળા અને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, મહુવા કોર્ટે રોકડ રકમનો દંડ પણ ફટકાર્યો

ભાવનગર : મહુવા પંથકમાં સાડા પાંચ વર્ષ પૂર્વે યુવતીએ પ્રેમસબંધ તોડી નાંખ્યાની દાઝમાં ગીર સોમનાથ જિલ્લાના શખ્સે છરીના ઘા ઝીંકી યુવતીને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવમાં મહુવા કોર્ટે શખ્સને ત્રણ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતો પરેશ પીઠાભાઈ ભજગોતર (ઉ.વ.૨૮) નામના શખ્સને મહુવા પંથકની એક યુવતી સાથે પ્રેમસબંધ હોય, જેથી બન્નેની સગાઈ કરાવવા માટે શખ્સના પિતાએ યુવતીની માતાને વાત કરી હતી. પરંતુ યુવતીના પરિવારજનોને આ સબંધ મંજૂર ન હોવાથી તેમણે સગાઈ કરવાની ના પાડતા યુવતીએ પણ બાદમાં તેના પ્રેમી પરેશ ભજગોતરને બન્ને વચ્ચેનો પ્રેમસબંધ તોડી નાંખવાનું કહ્યું હતું. આ વાત શખ્સને ગમતી ન હોય, મહુવામાં યુવતી ખાનગી નોકરી કરી રહેતી હોય, ત્યાં તેણીના રૂમે જઈ પરેશ ભજગોતરે બોલાચાલી કરી મોઢું દાબી દઈ ગળેટૂંપો આપવાનો પ્રયાસ કરી છરી વડે ગળા અને હાથના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે અંગે યુવતીએ મહુવા પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે નાસી છૂટેલા શખ્સને ઝડપી લઈ જરૂરી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ અંગેનો કેસ આજે સોમવારે મહુવાના ચોથા એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એસ. પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની અસરકાર દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી આરોપી પરેશ ભજગોતરને કસુરવાન ઠેરવી આઈપીસી ૩૦૭ મુજબના ગુના સબબ ત્રણ વર્ષ સખત કેદની સજા તેમજ રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસ સખત કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો છે.


Google NewsGoogle News