કાત્રોડી ગામના શખ્સને બળાત્કાર કેસમાં 20 વર્ષ સખત કેદની સજા
- બાઈક ઉપર બેસાડી ભગાડી લઈ જવામાં અન્ય એક શખ્સે મદદગારી કરેલી
- પોણા 3 વર્ષ પૂર્વેની ઘટનામાં મહુવાની એફટીએસસી કોર્ટનો ચુકાદો, દંડનો ભરે તો વધુ 3 માસની સજા ભોગવવા હુકમ
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કાત્રોડી ગામે રહેતો અજય વિનુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧) નામના શખ્સે ગત તા.૧૩-૨ના રોજ શરૂ રાત્રિના ૧૨-૧૫થી ૩ કલાકના અરસામાં એક સગીરાને લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઈરાદે તેણીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જયદીપ ઉર્ફે હદો હકુભાઈ પરમાર ખીમયાણી (ઉ.વ.૧૯, રહે, આકાશીપરા સંકુલની પાછળ, સાવરકુંડલા, જિ.અમરેલી) નામના શખ્સે બન્નેને તેની બાઈકમાં બેસાડી લઈ જઈ મદદગારી કરી હતી. ત્યારબાદ અજય ચૌહાણ નામના શખ્સે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે બનાવ અંગે અજય ચૌહાણ અને મદદગારી કરનાર જયદીપ ઉર્ફે હદો પરમાર ખીમયાણી સામે જેસર પોલીસમાં આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬ (૩), ૧૧૪ અને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૬, ૧૦, ૧૭, ૧૮ મુજબ ગુનો દાખલ થતાં પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કેસની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.
દરમિયાનમાં આ અંગેનો કેસ એફ.ટી.એસ.સી. (પોકસો) કોર્ટ-મહુવામાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ એચ. કેસરીની ધારદાર દલીલ, રજૂ થયેલા ૧૪ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ અતુલકુમાર એસ. પાટીલ (ચોથા એડીશનલ સેશન્સ જજ તથા જજ, એફટીએસસી (પોકસો) કોર્ટ-મહુવા)એ આરોપી અજય ચૌહાણને આઈપીસી ૭૧, જનરલ ક્લોઝીસ એક્ટની કલમ ૨૬ અને પોકસો એક્ટની કલમ ૪૨ સાથે વાંચતા આઈપીસી ૩૭૬ (૩) મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૧૦,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનાર જયદીપ ઉર્ફે હકો પરમાર ખીમયાણીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.