Get The App

માતા-પુત્રીની ચકચારી બેવડી હત્યામાં શખ્સને આજીવન કેદ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
માતા-પુત્રીની ચકચારી બેવડી હત્યામાં શખ્સને આજીવન કેદ 1 - image


- પાડોશી શખ્સે રેતી-સીમેન્ટ લેવા બાબતે 3 ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દીધેલા

- ભાવનગરના શેલારશા ચોક પાસે આવેલી સવાઈગરની શેરીમાં 23  માસ પૂર્વે બનેલી બેવડી હત્યાની ઘટનામાં કોર્ટનો ચુકાદો

ભાવનગર : શહેરના શેલારશા ચોક પાસે આવેલી સવાઈગરની શેરીમાં આશરે ૨૩ મહિના પૂર્વે રેતી-સીમેન્ટ લેવા જેવી નજીવી બાબતમાં ત્રણ ગોળી ધરબી માતા-પુત્રીને મોતને ઘાટ ઉતારી દેનારા શખ્સને ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

ઘટનાની ઉપલબ્ધ વિગત એવી છે કે, શહેરના શેલારશા નજીક આવેલી સવાઈગરની શેરી, રહેમત મંજીલમાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢળિયાના મકાનનું રિનોવેશનનું કામ શરૂ હોવાથી તેમણે શેરીમાં સીમેન્ટની થેલીઓ અને રેતીનો પણો ઉતાર્યો હતો. દરમિયાનમાં ગત તા.૩૧-૩-૨૦૨૨ના રોજ તેમના પાડોશમાં રહેતો કરીમ ઉર્ફે પિન્ટુ શેરઅલી રાસિયાણી નામના શખ્સે બાઈક લઈ આવી સીમેન્ટ-રેતી સહિતનો બિલ્ડીંગ મટીરિયલ્સનો સામાન રાખવા બાબતે ઝઘડો કરતા આડોશ-પાડોશના લોકોએ છુટ્ટા પડાવ્યા હતા. જો કે, કરીમ ઉર્ફે પિન્ટુના માથે ખૂન સવાર હોય, અડધો કલાક રહીને પોતાના ઘરેથી પિસ્ટલ લઈ આવી શખ્સે અનવરઅલીના દીકરી ફરિયાલબેન (ઉ.વ.૨૨) ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે તેમના પત્ની ફરીદાબેન અવાજ સાંભળી બહાર દોડી આવતા તેમને પણ એક ગોળી ધરબી દઈ શખ્સ નાસી ગયો હતો. ધોળા દિવસે ફાયરિંગની ઘટનામાં ગંભીર ઈજા પામેલા ફરિયાલબેનનું ગત તા.૩-૪-૨૦૨૨ અને તેમના માતા ફરીદાબેનનું ગત તા.૪-૫-૨૦૨૨ના રોજ મૃત્યુ થતાં આ ઘટના બેવડી હત્યામાં પરિવર્તીત થઈ હતી. ચકચારી ઘટનામાં અનવરઅલી વઢળિયાએ પાડોશી શખ્સ કરીમ રાસિયાણી સામે સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં આઈપીસી  ૩૦૭, ૩૨૩, ૫૦૪, જીપી એક્ટ ૧૩૫, આર્મ્સ એક્ટ ૨૫ (૧) (બી), ૨૭ મુજબ નોંધાવેલી ફરિયાદમાં પોલીસે આઈપીસી ૩૦૨નો ઉમેરો કરી હત્યારા શખ્સને ઝડપી લીધો હતો. 

ત્રેવીસેક માસ પૂર્વે બનેલી માતા-પુત્રીની હત્યાની ચકચારી ઘટનાનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ. પીરઝાદાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીની અસરકારક દલીલો તેમજ ફરિયાદી પક્ષના વિથ પ્રોસિક્યુશન એડવોકેટ મિતેશભાઈ કે. લાલાણીની લેખિત દલીલો, ૭૩ જેટલા દસ્તાવેજી અને ૨૬ મૌખિક મૌખિક પુરાવા વગેરેને ધ્યાનમાં રાખી ન્યાયમૂર્તિ પીરઝાદાએ કરીમ ઉર્ફે પિન્ટુને કસુરવાન ઠેરવી હત્યારા શખ્સને આઈપીસી ૩૦૨ અન્વયે આજીવન કેદ, રૂા.૧૦,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની કેદ, આર્મ્સ એક્ટ ૨૫ (૧) (બી) હેઠળ ત્રણ વર્ષ કેદ, ત્રણ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસ કેદની સજા, આર્મ્સ એક્ટની કલમ ૨૭ અન્વયે પાંચ વર્ષ કેદ, રૂા.૫,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો બે માસ કેદની સજા, જીપી એક્ટ ૧૩૫ અન્વયે ત્રણ માસની કેદ અને રૂા.૧૦૦નો દંડ ફટકાર્યો હતો.

53 દિવસ સુધી પોલીસથી ભાગતો રહ્યો, આખરે અમદાવાદથી પકડાયો

શહેરની સવાઈગરની શેરીમાં નજીવી બાબતમાં માતા-દીકરીને પિસ્ટોલથી ત્રણ ગોળી મારી શખ્સ કરીમ ઉર્ફે પિન્ટુ શેરઅલી રાસિયાણી નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રીના ત્રણ-ચાર દિવસની સારવારમાં મૃત્યુ થતાં જીવલેણ હુમલાની ઘટના બેવડી હત્યામાં પરિણમી હતી. બનાવ બાદ પોલીસે આરોપીની શોધખોળ માટે નજીકમાં આવેલી એક ઈંગ્લીશ સ્કૂલની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા શખ્સ હાથમાં પિસ્ટોલ લઈ ભાગતો હોવાનું જણાઈ આવ્યું હતું. પરંતુ હત્યારો પોલીસને પણ હંફાવતો રહ્યો હોય તેમ ૫૫ દિવસ સુધી ભાગતો રહી પોલીસના હાથે આવ્યો ન હતો. આખરે મળેલી ચોક્કસ ઈનપુટના આધારે બેવડી હત્યાના ગુનામાં સંડોવાયેલો કરીમ ઉર્ફે પિન્ટુ અમદાવાદથી પકડાયો હતો.

146 પાનાનું જજમેન્ટ, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મહત્તમ સજા

માતા-પુત્રીની બેવડી હત્યાના ચકચારી કેસની સુનવણી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી ત્યારે વિદ્વાન ન્યાયમૂર્તિ એલ.એસ. પીરઝાદાએ આરોપીને તકસીરવાન ઠેરવી ૧૪૬ પાનાનું જજમેન્ટ આપ્યું હતું. જેમાં ફરિયાદીના પત્ની અને દીકરીની પિસ્ટોલથી હત્યા કરવાનું નિશંક પણે પુરવાર થાય છે અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલારૂપે હત્યારા આરોપીને મહત્તમ સજા કરવામાં આવી છે.


Google NewsGoogle News