કાળાતળાવ નજીકથી 3.44 લાખના દારૃ, બિયર ભરેલા ટ્રક સાથે શખ્સ ઝડપાયો
વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ
ભાવનગર : વેળાવદર ભાલના કાળા તળાવ ગામ, સનેસ તથા નિરમા ચોકડી તરફ જતા ત્રણ રસ્તા પરથી એલસીબી પોલીસે રૃ. સાડા ત્રણ લાખની કિંમતના વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીએ દારૃની ૩૬૦ બોટલ,બિયરના ૨૪ ટીન ઉપરાંત મોબાઈલ અને ટ્રક મળી કુલ રૃ.૧૩.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગત રાત્રિના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રમેશ ઉર્ફે બાદશાહ ગોહેલ ( રહે. મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે, રૃવાપરી રોડ, ભાવનગર ) ટ્રકની અંદર વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ભરી ભાવનગર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમ કાળા તળાવ ગામ નજીક સનેસ તથા નિરમા ચોકડી તરફ જતા ત્રણ રસ્તા પર વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ કંપનીના ટ્રક નં.જી.જે.૨૭ - ટી.ડી. - ૨૪૫૪ ને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદર વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ટ્રકને એલસીબી ઓફિસે લાવીને તપાસ કરતા ટ્રકની અંદર વિદેશી દારૃની નાની મોટી ૩૬૦ બોટલ તેમજ બીયરના ૨૪ ટીન મળી કુલ રૃ.૩,૪૪,૮૮૮ નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૃ તેમજ બિયરનો જથ્થો, ૦૧ મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ રૃ.૧૩,૪૪,૮૮૮ ના મુદ્દમાલ સાથે રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહેલ ( રહે. મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે રૃવાપરી રોડ ભાવનગર ) ની ધરપકડ કરી તેની વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.