'100 સભ્યો બનાવો, 500 રૂા. લઇ જાઓ' ગુજરાત ભાજપના નગરસેવકનો વીડિયો વાયરલ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
'100 સભ્યો બનાવો, 500 રૂા. લઇ જાઓ' ગુજરાત ભાજપના નગરસેવકનો વીડિયો વાયરલ 1 - image


સદસ્યતા અભિયાનમાં અમુકે શામ, દામ, દંડ, ભેદ શરૂ કર્યાની ચર્ચા

સરકારી કચેરી જેવા બિલ્ડીંગમાં બેસી નગરસેવક પુરૂષ-મહિલાને સભ્ય બનાવવા બદલ નાણાંની ઓફર કરતાં નજરે પડયાં ઃ બનાવના પગલે રાજકીય ગરમાવો

Bhavnagar News |  ભાજપ દ્વારા ચાલી રહેલાં સદસ્યતા અભિયાનમાં મહત્તમ સભ્યો બનાવવાની હોડમાં કાર્યકરોથી લઇ હોદ્દેદારો અને પદાધિકારીઓ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં વીડિયોમાં શહેરના વોર્ડ નં.12ના ભાજપના નગરસેવક સ્થળ પર હાજર મહિલાઓ અને પુરૂષોને 100 સભ્યો બનાવી લાવનારને રૂ.500 આપવાની ઓફર કરતાં નજરે પડે છે. વાયરલ થયેલાં આ વીડિયોના પગલે મહાપાલિકા તંત્રની સાથે શહેર ભાજપના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં કોઇપણ નાગરિક ભાજપનો પ્રાથમિક સભ્ય બની શકે છે. સદસ્યતા અભિયાનને લઇ ભાજપ દ્વારા હોદ્દેદારોથી લઇ પદાધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તેવામાં આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરના વોર્ડ નં.12 ઉત્તર સરદારનગર તરસમીયા વોર્ડના ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ પુરૂષ અને મહિલાઓને સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવવાની સમજણ આપતાં નજરે પડે છે. તેમના દ્વારા એવું પણ કહેવાય છે કે, સભ્ય બનાવતાં પૂર્વે જે-તે વ્યક્તિના મોબાઇલમાં ઓટીપી આવશે. તે વ્યક્તિ ઓટીપી આપે તો સભ્ય બનવા ઇચ્છુક છે. અન્યથા દબાણપૂર્વક સભ્ય ન બનાવવાનું પણ તેઓ વીડિયોમાં કહેતા નજરે પડે છે.

બે મિનિટ 26 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં નગરસેવક સ્થળ પર હાજર એકથી વધુ મહિલાઓને તેમના સગા-સબંધી, આડોશી-પાડોશી સહિતનાને સભ્ય બનાવવાનું કહી રહ્યા છે અને 100 સભ્યો બનાવો અને રૂ.500 લઇ જાઓ તેવી ખૂલ્લી ઓફર પણ તેઓ મહિલાઓને આપતાં સ્પષ્ટ નજરે જણાય છે. કથિત રીતે સરકારી કચેરી જેવી બિલ્ડીંગમાં લેવાયેલો આ વીડિયો વાયરલ થતાં શહેર ભાજપ સંગઠન સહિત મહાપાલિકા તંત્રમાં પણ ગરમાવો આવી ગયો છે.

જાહેર ગણેશ પંડાલ ભાજપ સદસ્યતા અભિયાનના એપી સેન્ટર બન્યા

એક તરફ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ભાજપના જ કાર્યકરો, સમર્થકો અને ભવિષ્યમાં ભાજપમાં કોર્પોરેશનથી લઇ વિવિધ ચંૂટણીઓમાં ટિકિટ માટે દાવેદારી કરનાર ટિકિટવાંચ્છુઓએ પણ શહેરમાં પરંપરાગત ચાલતાં જાહેર ગણેશ પંડાલ ઉપરાંત જાહેર ગણેશોત્સવ કાર્યક્રમ યોજ્યા હતા. તેવામાં શહેરના અમુક જાહેર ગણેશ પંડાલમાં પહેલાં દિવસથી લઇ અંતિમ દિવસ સુધી દુંદાળા દેવના દર્શને આવતાં દર્શનાર્થીઓને સમજાવી ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા હોવાની સરાજાહેર ચર્ચા છે. શહેરમાં અમુક જાહેર ગણેશ પંડાલ તો રાજકીય ચહેરાઓની સતત અવર-જવર અને હાજરી વચ્ચે સદસ્યતા અભિયાનનું એપી સેન્ટર બન્યા હોવાની લોકમૂખે ચર્ચા છે.

નગરસેવકે ગોળ-ગોળ જવાબ આપ્યા

ભાજપના નગરસેવક યુવરાજસિંહ ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં આ વીડિયો કોઇના દ્વારા ઉતારી લેવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. આ વીડિયોમાં નગરસેવક પોતે હોવાનો સ્વીકાર થતાં તેમના દ્વારા સભ્યો બનાવવા બદલ નાણાંની ઓફર થઇ છે કે કેમ ? તેમ પૂછવામાં આવતાં તેમણે સ્વબચાવમાં ગોળ-ગોળ જવાબ આપ્યા હતા અને સ્પષ્ટ પ્રત્યુતર આપવાનું ટાળ્યું હતું.


Google NewsGoogle News