Get The App

મોટા ખુંટવડા ગામ પાસે અકસ્માતમાં મહુવાના વેપારીનું મોત, એકને ઈજા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
મોટા ખુંટવડા ગામ પાસે અકસ્માતમાં મહુવાના વેપારીનું મોત, એકને ઈજા 1 - image


- ગાયને બચાવવા જતાં કારચાલકે બાઈક સાથે અકસ્માત સર્જ્યો

- વેપારી અને તેમના ભાગીદારનો દિકરો બાઈક લઈ જેસરથી મહુવા તરફ આવી રહ્યા હતા, કારચાલક ફરાર

મહુવા : મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામ નજીક આસરાણા-જેસર રોડ પર ગાયને બચાવવા જતાં મહુવાના વેપારીની બાઈક સાથે કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જે ઘટનામાં વેપારીનું કરૂણ મોત થયું હતું. જ્યારે તેમના ભાગીદારના દિકરાને નાની-મોટી ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવામાં રહેતા માર્કેટીંગ યાર્ડના વેપારી મનીષભાઈ રસીકલાલ દોશી (ઉ.વ.૪૮) અને તેમના ભાગીદારનો દિકરો મિલનભાઈ અશોકભાઈ ડોળાશિયા ગઈકાલે સોમવારે મોડી સાંજના સમયે બાઈક નં.જીજે.૦૪.બીકે.૦૪૦૩ લઈને જેસરથી પરત મહુવા આવી રહ્યા હતા. ત્યારે મોટા ખુંટવડા ગામ નજીક આસરાણા-જેસર રોડ પર માલણ નદીના પાટિયા પાસે અચાનક ગાય આડી ઉતરતા તેને બચાવવા જતાં પુરપાટ ઝડપે આવી રહેલ અજાણી ફોરવ્હીલના ચાલકે બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં બાઈકચાલક મિલનભાઈ અને પાછળ બેસેલા યાર્ડના વેપારી મનીષભાઈને ઈજા થતાં ૧૦૮ મારફતે મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મનીષભાઈ દોશીને તપાસી તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે મિલનભાઈને અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના અંગે મુકેશભાઈ મુળચંદભાઈ દોશી (ઉ.વ.૫૩, રહે, પંડયા શેરી, મહુવા)એ આજે મંગળવારે સાંજે અજાણ્યા ફોરવ્હીલના ચાલક સામે મોટા ખુંટવડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૦૪એ, ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News