Get The App

મહુવા યાર્ડમાં મગફળીની રેકોડબ્રેક 1,25 લાખ મણ ડુંગળીની આવક નોંધાઈ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
મહુવા યાર્ડમાં મગફળીની રેકોડબ્રેક 1,25 લાખ મણ ડુંગળીની આવક નોંધાઈ 1 - image


- સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદનો ક્રમ મહુવા યાર્ડે જાળવી રાખ્યો

- મગફળીનો ભાવ 900 થી 1200 સુધીનો મળતા જગતના તાત ખેડૂતોમાં ભારે ઉત્સાહ વધ્યો

ભાવનગર : લાભપાંચમના વણજોયા શુભ મુર્હૂતની સાથે જ ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિન પ્રતિદિન નવી સિઝનની મગફળીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં સોમવારે એક જ દિવસમાં મહુવા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક ૧,૨૫ લાખ મણ આવક નોંધાઈ હતી. એટલુ જ નહિ ભાવનગર જિલ્લામાં મગફળીનો સૌથી વધુ ભાવ મહુવા યાર્ડમાં ૮૦૦ થી ૧૨૦૦ સુધીનો રહેતા જગતના તાત ખેડૂતોની મગફળીના વેચાણ માટે મહુવા યાર્ડ પ્રથમ પસંદગીનું કેન્દ્ર તરીકે જળવાઈ રહ્યુ હતુ. 

સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વેચાણ ક્ષેત્રે રાજકોટ બાદ ત્રીજો ક્રમાંક ધરાવતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત લાભ પાંચમથી લઈને આજ દિન સુધી પ્રતિદિન મગફળીની આવકમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઉપરાછાપરી બે વખત ૮૦,૦૦૦ જેટલી મગફળીની ગુણીનું વેચાણ મહુવા માર્કેટીંગ યાર્ડમાં નોંધાયા બાદ તા.૧૧ નવેમ્બરને સોમવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ચારેય દિશાઓમાંથી ખેડૂતો અલગ અલગ ખાનગી વાહનો ભરી ભરીને મગફળી વેચવા માટે આવતા એક તબકકે યાર્ડમાં ચોતરફ મગફળીના ઢગલાઓ ખડકાયેલા દ્રશ્યમાન થયા હતા. સોમવારે એક જ દિવસમાં મહુવા યાર્ડમાં રેકોર્ડબ્રેક ૧,૨૫ લાખ મણ નવી મગફળીની આવક થતા યાર્ડ દ્વારા અગમચેતીના એક ભાગરૂપે અલગ ૭૦ વિઘાથી વધુ જમીનમાં આ મગફળી ઉતારાઈ હતી તેમ જણાવી યાર્ડના સેક્રેટરી વી.પી.પાંચાણીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કયાર્ડ દ્વારા આ સિઝનમાં મગફળીની સંભવીત મહત્તમ આવક માટે વધુ ૧૫૦ વિઘા જમીન સ્ટેન્ડબાય રખાઈ છે.  અત્રે એ ખાસ નોંધનીય છે કે, મહુવા યાર્ડમાં તા.૧૧મીએ શીંગ ૬૬ ના ઉંચા ભાવ ૧૬૫૬, શીંગ ૩૨ ના ઉંચા ભાવ ૧૧૩૫ અને શીંગ  જી ૨૦ ના ૧૨૧૯ ઉંચા ભાવ બોલાયા હતા. લાઈટ, પાણી સહિતની સુવિધાઓની સાથોસાથ ઉંચા અને પોષણક્ષમ ભાવ મળી રહેતા હોય ભાવનગર જિલ્લાની આસપાસના ૧૦૦ કિ.મી.ના વિસ્તારોના ખેડૂતો મહુવા યાર્ડ પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહ્યુ છે. 

તળાજા યાર્ડમાં આજે હરરાજી બંધ રહેશે

તળાજા માર્કેટીંગ યાર્ડમાં મગફળી લાવતા ખેડૂતો જોગ જણાવાયુ છે કે, આવતીકાલ તા.૧૨ નવેમ્બરને મંગળવારથી મગફળીની હરરાજીનું કામકાજ બંધ રહેશે. માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો ભરાવો હોવાથી બીજી વખત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં મગફળી ઉતારવા દેવામાં આવશે નહિ. સુચના બાદ પણ મગફળી લાવશે તો પરત લઈ જવાની ફરજ પડશે તેમ તળાજા યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવાયુ છે.


Google NewsGoogle News