Get The App

મહુવાઃ દુકાનમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ત્રિપુટી 11 લાખની મત્તા સાથે ઝડપાઈ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
મહુવાઃ દુકાનમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ત્રિપુટી 11 લાખની મત્તા સાથે ઝડપાઈ 1 - image


- દસેક દિવસ પૂર્વે બસ સ્ટેન્ડ સામે આવેલી શોપમાંથી થઈ હતી 40 મોબાઈલની  ચોરી 

- ભાવનગર એલસીબીએ ચોરાયેલાં 71 મોબાઈલ તથા બાઈક કબ્જે લીધું : ચોરી કરેલાં ડીવીઆરનો કબ્જો લેવા પોલીસની મથામણ

ભાવનગર : મહુવામાં બસ સ્ટેન્ડ સામે આવેલી મોબાઈલ શોપમાંથી આશરે દસેક દિવસ પૂર્વે થયેલી આશરે રૂ.૧૧ લાખના મોબાઈલ ફોનની ચોરી પ્રકરણે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે એક પરપ્રાંતિય સહિત ત્રણ ઈસમોને ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે તસ્કરોના કબ્જામાંથી ચોરાઉ ૭૧ મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે લીધો હતો. 

ચકચારી બનાવની વિગત એવી છે કે, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળી હતી કે, મહુવાના ભુતનાથ મહાદેવ તરફથી એક બાઈક લઇને ત્રણ માણસો મોબાઇલ ફોન વેચવા માટે મહુવા ટાઉન આવી રહ્યા છે. તેમના કબ્જામાં રહેલાં મોબાઈલ કોઇ પાસેથી છળકપટથી મેળવ્યા હોવાનું અથવા તો ચોરી કર્યાની બાતમીદારે શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસની ટીમ સૂચિત સ્થળે વોચમાં હતી. ત્યારે પ્રકાશ ભુપેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.રોહીશા ચોકડી,તા.મહુવા જી.ભાવનગર), દીપક ઉર્ફે દીપો પરશોતમભાઇ શિયાળ (ઉ.વ.૨૩ ધંધો-ગેરેજનો રહે.મુળ-પ્લોટ વિસ્તાર, ઓથા તા.તળાજા જી.ભાવનગર હાલ- રૂમ નં.૬, કમલ પાર્ક સોસાયટી, વરાછા, લંબે હનુમાન રોડ, સુરત શહેર) અને શૈતાનસીંગ જશવંતસીંગ સોલંકી (ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે.પાલડી તા.સાંચોર થાના ચાંચોર જી.જાલૌર રાજય-રાજસ્થાન  હાલ- રૂમ નં.૬, કમલ પાર્ક સોસાયટી, વરાછા,લંબે હનુમાન રોડ, સુરત શહેર)  મોબાઈલ ફોન તથા બાઈક સાથે મળઈ આવ્યા હતા. પોલીસે ત્રણેયની મુદામાલ સાથે ઝડતી લઈ વિશેષ પૂછપરછ કરતાં ત્રણેય શકમંદો ભાંગી પડયા હતા. અને ગત તા.૧૧-૧૨ ફેબૂ્ર.૨૦૨૪ના રોજ મહુવા, બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી દુકાનમાં લગાડેલ સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર પણ કાઢી લઇ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.પોલીસે ત્રણેયની અટકાયત કરી તેમના કબ્જામાંથી અલગ અલગ કંપનીના ૭૧ મોબાઈલ કિંમત રૂ.૧૦,૯૬,૮૬૬ તથા એક કાળા કલરનું હિરો હોન્ડા સ્પેલન્ડર કિંમત રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ.૧૧,૨૧,૮૬૬નો મુદામાલ કબ્જે લીધો હતો. અને મહુવા પંથકમાં ચકચાર જગાવનાર દસેક દિવસ જુની તસ્કરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જો કે, પોલીસે તસ્કરોએ ચોરી કરેલાં ડીવીઆરનો કબ્જો લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. 

3 પૈકીના 2 તસ્કરોનો ઈતિહાસ ગુન્હાહીત 

પોલીસ તપાસ દરમિયાન ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એવી હકિકત મળી છે કે, મહુવામાં મોબાઈલ શોપમાં તસ્કરીના ગુન્હામાં ઝડપાયેલાં ત્રણ પૈકી બે તસ્કરોનો ઈતિહાસ ગુન્હાહીત છે. જેમાં દીપક ઉર્ફે દીપો પરશોતમભાઇ શિયાળ વિરૂદ્ધ વર્ષ-૨૦૨૩ દરમિયાન સુરતના ઘોડાદરા, કાપોદરા,સરથાણા તથા કતારગામ પોલીસ સ્ટેશનમાં તસ્કરીના એક ડઝન કેસ નોંધાયેલાં છે. જયારે, શૈતાનસીંગ જશવંતસીંગ સોલંકી વિરૂદ્ધ સુરત ગ્રામ્ય, કડોદરા તથા સુરત શહેર, ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયેલા છે. 

40 મોબાઈલ તથા રોકડ ચોરીની ફરિયાદ થઈ હતી 

મહુવાના એસ.ટી. સ્ટેન્ડની સામે આવેલા અમૃત બજાર કોમ્પ્લેક્સમાં આવેલ જમાણી મોબાઇલ શોપમાં તસ્કરોએ શટરના નકુચા તોડી અંદરના ભાગે દુકાનમાં પ્રવેશ કરી સિસ્પ્લે તેમજ માળિયામાં રાખેલ ઓપો કંપનીના ૧૧ મોબાઈલ,વિવો કંપનીના ૨૯ મોબાઈલ ફોન,સી.સી.ટી.વી.કેમેરાનું ડી.વી.આર. તેમજ રૂ.૨૫,૦૦૦ રોકડા મળી કુલ રૂ.૬,૭૪,૦૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાની મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીને અંજામ આપનાર તસ્કરો એટલા ચબરાક હતા કે સસ્તા મોબાઈલ જ ઉઠાવ્યા હતા અને મોંઘા દાટ એટલે કે સ્ટાન્ડર્ડ કંપનીના મોબાઈલ ની ચોરી કરી ન હતી.


Google NewsGoogle News