ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, મહુવાની માલણ, બુટીયો, બગડમાં ઘોડાપૂર આવતા નદીઓ બે કાંઠે વહી

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, મહુવાની માલણ, બુટીયો, બગડમાં ઘોડાપૂર આવતા નદીઓ બે કાંઠે વહી 1 - image


Gujarat Monsoon Updates |  ભાવનગર શહેર અને જિલ્લાના 4 તાલુકાઓમાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહ્યો હતો તે સિવાય જિલ્લાના મહુવા અને જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મહુવા પંથકમાં ગત મધ્યરાત્રિથી વહેલી સવારે ૬ વાગ્યા વચ્ચે ત્રણ ઇંચ અને જેસરમાં રાત્રે બેથી સવારે 6 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. મહુવા પંથક અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે માલણ, બુટીયો, દોગી અને બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદીઓ બે કાંઠે વહી હતી. બુટીયો અને બગડ નદીમાં આવેલા પુરના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

મહુવા શહેર અને પંથકમાં ગત રાત્રિના 12 વાગ્યાથી વહલી સવારે 6 વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહુવા પંથક ઉપરાંત ઉપવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પંથકના ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે તાલુકાની માલણ, દોગી, બુટીયો અને બગડ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીઓ બે કાંઠે વહી હતી. બુટીયો નદીમાં ઘોડાપૂર આવતા તાલુકાના વાઘનગર, સથરા, કોટડા, નેપ, કળસાર સહિતના ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ પર વાહન-વ્યવહાર ખોરવાયો હતો.

ઉપરાંત બગદાણા પંથકમાં પણ ભારે વરસાદને પગલે તરેડ ગામના માર્ગ પર વરસાદી પાણીના કારણે નાળું બેસી જતા વાહન-વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડયો હતો. ભારે વરસાદને પગલે તાલુકાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતા મહુવા તાલુકાના સુંદરનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો મહુવા શહેરમાં પણ મોડી રાત્રે મેઘતાંડવના કારણે શહેરના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સારા વરસાદના પગલે પંથકના નદી નાળા જીવંત થયાં હતા. મહુવા તાલુકા ના ઓથા ગામે પણ સારા વરસાદના પગલે ગામની દોગી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. પંથકમાં પડી રહેલા સારા વરસાદના પગલે જગતનો તાત ખુશ જોવા મળી રહ્યો છે.

મહુવા ઉપરાંત જેસર પંથકમાં રાત્રિના બે વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીમાં પોણ બે ઇંચ અને તળાજામાં ગત રાત્રિના 2 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં પોણા ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકા મથકોમાં દરરોજ પડી રહેલો નિયમિત વરસાદ ખેતીના પાક માટે ખુબ સારો હોવાથી પંથકમાં કાચુ સોનું વરસી રહ્યું છે તેમ સ્થાનિક ખેડુતો ખુશી સાથે જણાવી રહ્યાં છે. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ રહ્યો હતો. આજે વહેલી સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં સૌથી વધારે પાલિતાણામાં પોણા એક ઇંચ વરસાદ પડયો હતો.

અડધા તળાજામાં અંધારપટ્ટથી નગરજનો ઉકળી ઉઠયા

ઉનાળામાં પ્રિ-મોનસૂન કામગીરીના નામે વીજકાપ આપ્યા બાદ હવે ચોમાસાના આગમન પછી પણ કલાકો સુધી લાઈટ જતી રહેવાના કારણે લોકો ઉકળી ઉઠયા હતા. અડધાથી વધુ તળાજામા ગઈકાલ મોડીરાતથી લાઈટ ગઈ હતી. જે આજે છેક બપોરે ચારેક વાગ્યા આસપાસ લાઈટ આવી હતી. મોટા પ્રમાણમાં ફરિયાદ ઉઠતા ધારાસભ્ય દ્વારા તંત્રને જાણ કરતા ચાર ટીમો દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી.

શેત્રુંજી ડેમમાં 4181 ક્યૂસેક પાણીની આવક થઈ

ઉપરવાસના ગીર પંથક અને અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને પગલે ભાવનગરના શેત્રુંજી ડેમમાં 4181 ક્યૂસેક પાણીની આવક થઈ છે અને ડેમની સપાટી ૫૦.૧૦ મીટરે છે. અમરેલીના ખોડીયાર ડેમની સપાટી 196.98 મીટરે છે તથા ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ)ની સપાટી 34.4 ફૂટ નોંધાઈ છે.


Google NewsGoogle News