મહુવા : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભુતેશ્વરના શખ્સને 20 વર્ષની કેદ
- 17 મૌખિક અને 31 લેખિત પુરાવાને કોર્ટે ધ્યાને લઈ સજા ફટકારી
- અપહરણ કરી જૂનાગઢ લઈ જઈ ત્યાં દુષ્કર્મ ગુજાર્યા બાદ મહુવા પંથકના એક કારખાનામાં પણ કુકર્મ આચર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના ભુતેશ્વર ગામે ડાભી શેરીમાં રહેતો વનરાજ નાથાભાઈ ઢાપા (ઉ.વ.૨૩) નામના શખ્સે ગત તા.૫-૪-૨૦૨૩ના રોજ એક સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી જૂનાગઢ ખાતે લઈ જઈ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત શખ્સે મહુવા પંથકના એક કારખાનાના બેઠક રૂમમાં પણ લઈ જઈ તેણીને કુકર્મનો શિકાર બનાવ્યા અંગેની ભોગ બનનારના વાલીએ ગત તા.૬-૪-૨૦૨૩ના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે મહુવા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (જે) (એન), ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૮ની કલમ ૩૭૬ (૩) અને પોક્સો એક્ટની કલમ ૪, ૬ મુજબ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી.
દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના ચોથા એડી. સેશન્સ જજ તથા એફ.ટી.સી. (પોક્સો) કોર્ટના જજ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર દલીલો, ૧૭ મૌખિક પુરાવા, ૩૧ લેખિત દસ્તાવેજો વગેરેને ધ્યાને રાખી વનરાજ ઢાપાને આઈપીસી ૩૬૬ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી સાત વર્ષની કેદ, ૧૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા, આઈપીસી ૭૧ તથા જનરલ ક્લોઝીસ એક્ટની કલમ ૨૬, પોક્સો એક્ટની કલમ ૪૨ સાથે વાંચતા ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ-૨૦૧૮ની કલમ ૩૭૬ (૩) મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા, ૧૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા ફટકારી હતી. વધુમાં ભોગ બનનારે પુનઃવસન માટે તેમજ શારીરિક-માનસિક વ્યથા સબબ પોક્સો એક્ટની કલમ ૩૩ (૮), સીઆરપીસી ૩૫૭ (એ) મુજબ આરોપી વનરાજ ઢાપાએ ભરેલી દંડની રકમ રૂા.૨૦,૦૦૦ને વળતર પેટે આપવા કોર્ટે હુકમ કર્યો હતો.