Get The App

મહુવાના ભવાની મંદિર અને વીજળીબારૂ સ્થળ વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત

Updated: Nov 13th, 2021


Google NewsGoogle News
મહુવાના ભવાની મંદિર અને વીજળીબારૂ સ્થળ વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત 1 - image


- સીંગલ પટ્ટીના બિસ્માર માર્ગોમાં છાસવારે ખોરવાઈ જતો વાહન વ્યવહાર 

- પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું ઓરમાયું વર્તન શ્રધ્ધાળુઓમાં ટીકાને પાત્ર બન્યુ,બીચના માર્ગમાં લેવલીંગનો અભાવ

મહુવા : મહુવા શહેરની દરિયાઈ પટ્ટી પર આવેલા સુપ્રસિદ્ધ એવા ભવાની માતાજીનું મંદિર અને વીજળી બારું તરીકે ઓળખાતું ધામક સ્થળ વર્ષોથી વિકાસ ઝંખી રહ્યા છે. પાણી અને પાકા રોડ સહિતની આવશ્યક પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ બંને સ્થળ પ્રત્યે ગુજરાત યાત્રાધામ બોર્ડના સત્તાધીશો લાંબા સમયથી દુર્લક્ષ સેવી રહ્યા હોય લોકોમાં કચવાટ વ્યાપેલ છે. તંત્ર આ બાબતે હવે ઘટતી સક્રિય કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ  લોકમાંગ ઉઠવા પામેલ છે.

મહુવા શહેરની દરિયાઈ પટ્ટી પર અનેક ધામક સ્થળો આવેલા છે. જે પૈકીના સુપ્રસિદ્ધ ભવાની માતાજીનું મંદિર અને વીજળી બારું તરીકે ઓળખાતુ ધામક સ્થળ વર્ષોથી પાયાની સુવિધાઓથી સદંતર વંચિત રહ્યા છે. મહુવાથી છ કિલોમીટરના અંતરે આવેલ ભવાની માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર કે જયાં છેલ્લા ઘણા સમયથી સુવિધાનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. આ પ્રવાસન સ્થળ રોડ, રસ્તા સહિતના પ્રશ્નોના ઉકેલ ઝંખી રહ્યું છે. આ સુપ્રસિદ્ધ યાત્રાધામ તરફ જતો માર્ગ ખરાબ હાલતમાં હોય જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ભવાની ગામથી મંદિર તરફ જતો માર્ગ સીંગલ પટ્ટીનો હોવાથી તહેવારો દરમિયાન ટ્રાફિક સમસ્યા તો માથાના દુઃખાવા સમાન બને છે જો બે વાહનો સામ-સામે આવી જાય ત્યારે આ માર્ગ પરથી પસાર થવું શક્ય બનતુ નથી. ભવાની મંદિરથી નીચેની તરફ દરિયાઈ બીચ આવેલો છે જેથી પ્રવાસીઓ દરિયાની મજા માણવા બીચ નીચે જતા હોય છે પરંતુ બીચમાં નીચે ઉતરવા માટેનો માર્ગ લેવલીંગના અભાવે અને બંને તરફ બાવળોના ઝૂંડથી ઘેરાયેલો છે. જેથી પ્રવાસીઓને બીચમાં જવા નીચે ઉતરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બહારગામથી આવતા પ્રવાસીઓ માટે અત્રે રાત્રી રોકાણની કોઈ જ વ્યવસ્થા નથી આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલુ મહુવાનું આ ધામક સ્થળ વિકાસ ઝંખી રહ્યું છે. જયારે મહુવાના બંદર ગામ તરફ આવેલ વીજળી બારું તરીકે ઓળખાતું ધામક સ્થળ વધુ એક રમણીય તીર્થસ્થાન છે. ચારેય તરફ દરિયાના પાણી થકી ઘેરાયેલા આ સ્થળે અદ્રભુત નજારો જોવા મળે છે. હજારો વર્ષો પહેલા ચોમાસા દરમિયાન ભયંકર વીજળી પડતા પથ્થરો તોડીને ભયંકર ભોયરુ બની ચૂક્યું હતું તે સમયથી આ સ્થળ વીજળી બારુ તરીકે ઓળખાય છે જેના કારણે આ સ્થળે અદ્રભૂત નજારો જોવા મળે છે. જાહેર રજાઓમાં અને ખાસ કરીને તહેવારોમાં ગુપ્તકાશી સમા શિવાલયના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ રોડ રસ્તાનો અભાવ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.  મહુવાની દરિયાઈ પટ્ટી પરના આ બંને ધામક રમણીય સ્થળ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત હોય પરંતુ વિકાસ ઝંખી રહ્યા છે જો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બંને યાત્રાધામનો સર્વાંગી વિકાસ કરાય તો પર્યટન સ્થળ તરીકે મહુવાના આકર્ષણમાં વધુ એક નોંધપાત્ર ઉમેરો થાય તેમ છે. બોર્ડ દ્વારા સર્વાંગી વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવાય અને પાકા રસ્તા એસ.ટી. બસ, લાઈટ અને પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ મળે તેવી મહુવાવાસીઓમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News