મહુવા : માતલપરના 4 શખ્સને ખૂન કેસમાં આજીવન કેદની સજા
- દારૂની પાર્ટી કરવા ભેગા થયેલા શખ્સોએ મર્ડરનો પ્લાન ઘડયા બાદ રેકી કરી ખૂની ખેલને અંજામ આપેલો
- ચારેક વર્ષ પૂર્વેની ચકચારી ઘટનામાં મહુવા કોર્ટનો ચુકાદો, રોકડનો દંડ ન ભરે તો વધુ 6 માસ સખત કેદની સજા
ચારેક વર્ષ પૂર્વે ચકચાર મચાવનારી ઘટનાની વિગત એવી છે કે, મહુવાના માતલપર ગામે રહેતો હિંમત ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા (ઉ.વ.૨), જનક ઉર્ફે જગો જીલુભાઈ બારૈયા (ઉ.વ.૨૦), મુકેશ ઉર્ફે મુકો મનુભાઈ ભાલિયા (ઉ.વ.૨૩) અને ગોવિંદ ઉર્ફે ગોબર નગાભાઈ ભાલિયા (ઉ.વ.૩૫) નામના શખ્સો ગત તા.૧૯-૧૧-૨૦૨૦ના રોજ સાજના સમયે માતલપર ગામની સીમમાં કોદાળા વાડી વિસ્તારમાં દારૂ પીવા માટે ભેગા થયા ત્યારે સુરેશભાઈ રાઠોડ નામના યુવકનું ઢીમ ઢાળી દેવા પ્લાન ઘડી ગુનાહિત કાવતરું રચી ત્યાંથી માતલપર ગામમાં વાણી પાન કોલ્ડ્રીક્સ નામની દુકાન પાસે આશરે ૭-૩૦ કલાકના સુમારે સુરેશભાઈ રાઠોડની તપાસ કરતા તેઓ ત્યાં મળી આવ્યા ન હતા. દરમિયાનમાં ગોવિંદ ઉર્ફે ગોબર નામનો શખ્સ બાજુમાં ડેરીએ દૂધ ભરવા આવી યુવકની ચહલ-પહલની તપાસ કરી હિંમત ઉર્ફે ખત્રી ચુડાસમાને ફોન કરી માહિતી આપી હતી. તેમજ મુકેશ ઉર્ફે મુકો નામના શખ્સે સુરેશ ઉર્ફે લાલાની બાઈક લઈ માતલપર ગામે જઈ સુરેશભાઈની તપાસ કરતા તેઓ ઘર પાસે મળી આવતા તેમને વાડી વિસ્તારમાં દારૂની પાર્ટી રાખી હોય ત્યાં હિંમત સાથે સમાધાન કરવાના બહાને બાઈકમાં બેસાડી બેડા રોડ, અંધારી વિસ્તાર, હાઈસ્કૂલ પાસે લઈ ગયો હતો. ત્યાં સુરેશભાઈને છગનભાઈની વાડી પાસે ઉતારી શખ્સ બાઈક લઈ અન્ય શખ્સોને વાત કરી ચારેય શખ્સ અંધારી વિસ્તાર, હાઈસ્કૂલ ખાતે ગયા હતા. અહીં મુકેશ ઉર્ફે મુકો અને ગોવિંદ ઉર્ફે ગોબરે યુવકને પકડી રાખ્યો હતો. જ્યારે હિંમત ઉર્ફે ખત્રી અને જનક ઉર્ફે જગો, સુરેશ ઉર્ફે લાલો નામના શખ્સોએ જ્ઞાાતિ વિશે અપમાનિત કરી છરી અને લાકડીના ઘા ઝીંકી સુરેશભાઈની હત્યા કરી નાંખી હતી. આ બનાવ અંગે તમામ શખ્સો સામે બગદાણા પોલીસમાં આઈપીસી ૩૦૨, ૧૨૦ (બી), ૧૧૪, જીપીએ ૧૩૫, સ્પે. એટ્રોસિટી એક્ટની કલમ ૩ (ર), (૫) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો.
દરમિયાનમાં આ કેસ મહુવાની ચોથા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.એચ. કેસરી, ફરિયાદી પક્ષ તરફે રોકાયેલા વકીલ જી.બી. મહેતાની ધારદાર દલીલો, રજૂ થયેલા ૨૯ મૌખિક અને ૫૫ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ અતુલકુમાર એસ. પાટીલે હિંમત ઉર્ફે ખત્રી ચુડાસમા, જનક ઉર્ફે જગો બારૈયા, મુકેશ ઉર્ફે મુકો ભાલિયા અને ગોવિંદ ઉર્ફે ગોબર ભાલિયાને આઈપીસી ૩૦૨ અન્વયે તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા અને દરેક આરોપીઓને રૂા.૧૦ હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો છ માસ સખત કેદની સજા ભોગવા હુકમ કર્યો છે. આ ઉપરાંત હત્યારા શખ્સોને જીપીએ ૧૩૫ મુજબના ગુનામાં ત્રણ માસની સાદી કેદની સજા, દરેક આરોપીને રૂા.૧,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.