એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના વી.સી. માટે હજુ સુધીમાં માત્ર 9 અરજી આવી

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના વી.સી. માટે હજુ સુધીમાં માત્ર 9 અરજી આવી 1 - image


- નવી સર્ચ કમિટી દ્વારા નિમણૂંક પ્રક્રિયા ઝડપી બનાવાઇ

- લાંબા સમયથી ઇન્ચાર્જ કુલપતિના સ્થાને કાયમી ઉમેદવાર માટે લાયકાતના ધોરણો પાર પાડવા કપરા

ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ઇન્ચાર્જ કુલપતિથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે. જ્યારે કાયમી કુલપતિ માટે નવી શિક્ષણ નીતિના અમલ બાદ બીજીવારની હાથ ધરેલ પ્રક્રિયામાં આજ સુધીમાં માત્ર નવ અરજી યુનિવર્સિટીમાં ઓનલાઇન ભરાઇ હોવાનું જણાયું છે. જો કે, અરજી માટેની છેલ્લી તારીખ ૩૧ હોય હજુ ઉમેદવાર વધશે પરંતુ અગાઉની પ્રક્રિયામાં આવેલ ૧૭૮ અરજી સામે આ વખતે ઉમેદવારોની સંખ્યા ઘટશે.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિનો સમયકાળ પૂર્ણ થયા બાદ ઇન્ચાર્જ વી.સી. તરીકે એમ.એમ. ત્રિવેદીની નિમણૂંક કરાઇ હતી જેને ખાસ્સો સમય વિતી ગયા બાદ સર્ચ કમિટી દ્વારા નવા વીસી માટેની કાર્યવાહી-મિટીંગો શરૂ થઇ હતી અને જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ અંદાજે ૧૭૮ અરજીઓ વી.સી. પદ માટે આવી હતી જેની સ્કૃટીની થયા બાદ સર્ચ કમિટીએ ત્રણ પસંદગીવાળા નામો સરકારમાં મોકલી પણ દીધા હતાં. દરમિયાન પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ પડતા સમગ્ર પ્રક્રિયા અટકી પડી હતી અને નવા એક્ટ મુજબ વી.સી.નો કાર્યકાળ સમય મર્યાદા, કામગીરી, તેની નિમણૂંક સહિતની બાબતોમાં ફેરફાર થતા સર્ચ કમિટીનું નવું ગઢન કરવામાં આવ્યું હતું અને આ નવી સર્ચ કમિટીએ કાયમી વીસી નિમવા નવેસરથી પ્રક્રિયા શરૂ કરી હતી. જે અંતર્ગત જાહેરાત અપાયા બાદ આજ સુધીમાં ઓનલાઇન ૯ અરજી મળી હોવાનું જણાયું છે. જો કે, અરજી માટેની છેલ્લી તારીખ ૩૦ સુધીની હોય હજુ અરજી વધવાની સંભાવના છે. પરંતુ અગાઉ આવેલી અરજી જેટલા ઉમેદવારો નહીં હોય તે નિશ્ચિત છે. અનુભવ સહિત શૈક્ષણિક લાયકાતોના ક્રાઇટ એરીયામાં એવીડન્સ ઓનલાઇન રજૂ કરવામાં જ ઘણા ઉમેદવારોને સીસ્ટમ જ રીજેક્ટ કરતી હોવાનું જણાય છે. વી.સી. બનવા માટે તો ૨૦૦ મુરતીયા લાઇનમાં છે પરંતુ લાયકાત હોવી તે પણ જરૂરી છે. જો કે, સર્ચ કમિટીની થઇ રહેલ ઝડપી કાર્યવાહીથી સંભવતઃ આગામી ૧૫ જાન્યુ. સુધીમાં વી.સી.ની નિમણૂંક પણ થાય તો નવાઇ નહીં તેવું કેમ્પસમાં ચર્ચાઇ રહ્યું છે.


Google NewsGoogle News