અપુરતી સુવિધાના મામલે પીપળીયાના ગ્રામજનોની સરકારી પ્રા.શાળાને તાળાબંધી
- નબળી ગુણવત્તાના આક્ષેપ સાથે શિક્ષણનો બહિષ્કાર કરાયો
- આચાર્યની બદલી કરવા ગ્રામજનો-સરપંચની માંગણી, ફરિયાદના પગલે તપાસનો ધમધમાટ : બાળકોને શાળાએ મોકલવા બોટાદ ડીપીઇઓની અપીલ
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના પીપળીયા ગામે ધો. ૧ થી ૮ સુધી કાર્યરત પ્રાથમિક શાળામાં ૩૫૪ જેટલા વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ શાળામાં શિક્ષક સ્ટાફ પણ પૂરતો છે. પરંતુ આ શાળાનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા વિઘાર્થીઓને પુરતો અભ્યાસ નહી કરાવતા શિક્ષણ કાર્ય એકદમ નબળું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત શાળામાં પીવાનાં પાણી તેમજ ટોયલેટ બ્લોક ની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ છે. આ શાળામાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો કોમ્યુટર લેબ અને તમામ કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા હોવાથી બાળકો કોમ્પ્યુટર વિષયના અભ્યાસથી વંચિત રહેતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ પણ અધુરૂ હોય તેમ આ શાળામાં રમત ગમત માટેના સાધનો પણ હોવા છતા વિઘાર્થીઓને નહી આપવામાં આવતા હોવા સહિત બાબતે પીપળીયા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને જવાબદાર આચાર્યની બદલી માટે ઉગ્ર માંગ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ બાબતે પીપળીયા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવામાં છતા કોઈ કાર્યવાહી ન થતાં આખરે ગ્રામજનોએ આક્રમક પગલું ભર્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ બોટાદના ડીપીઇઓએ આચાર્ય વિરૂદ્ધ ગ્રામજનોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કોઈ તથ્ય જણાશે તો સરકારના નિયમ અનુસાર કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. જો કે, તેમણે આ ફરિયાદ અને તપાસના ધમધમાટ વચ્ચે બોટાદ ડીપીઈઓએ વાલીઓ અને ગ્રામજનોને પોતાના બાળકોને શાળાએ નિયમિત અભ્યાસ માટે મોકલવા અપીલ કરી હતી.