8.50 લાખનો દારૂ પકડાયો, વાહનમાં અનેક બોટલો ફૂટી ગઈ
બેડી ચોકડીથી ભગવતીપરા જતા રોડ પરથી
રાજકોટનાં કેટલાક વિસ્તારોમાંથી ફૂટી ગયેલી અંગ્રેજી દારૂની બોટલો મળી, મોટાપાયે દારૂ ઉતર્યાની શંકા
રાજકોટ: રાજકોટમાં બુટલેગરોએ મોટાપાયે અંગ્રેજી દારૂ ઉતાર્યો હોય તેમ ગઈકાલે એક જ દિવસમાં ભક્તિનગર અને પ્ર.નગર પોલીસે બે સ્થળેથી રૂા.૪.૬પ લાખનો અંગ્રેજી દારૂ ઝડપી લીધા બાદ પરોઢિયે ક્રાઈમ બ્રાંચે બેડી ચોકડીથી ભગવતીપરા તરફ જતા રોડ પરથી રૂા.૮.પ૦ લાખનો અંગ્રેજી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાન ઝડપી લીધી હતી.
બાવળની ઝાળીમાંથી આ બોલેરો પીકઅપ વાન મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચે તપાસ કરતાં અંદર રહેલી અંગ્રેજી દારૂની ઘણી બોટલો ફુટી ગઈ હતી. એટલું જ નહીં ક્રાઈમ બ્રાંચને શહેરના બીજા કેટલાક વિસ્તારોમાં ફૂટેલી અને રોડ પર કાચ વેરાયેલી અંગ્રેજી દારૂની બોટલો પડી હોવાની માહિતી પણ મળી છે. આ સ્થિતિમાં જે બોલેરો પીકઅપ વાન પકડાઈ તેમાંથી પડી ગયેલી દારૂની બોટલો જુદા-જુદા વિસ્તારોમાંથી ફૂટેલી હાલતમાં મળી છે કે પછી આ ફુટેલી દારૂની બોટલો બીજા કોઈ વાહનમાંથી પડી ગઈ છે તે બાબતે ક્રાઈમ બ્રાંચને ચોકકસ માહીતી મળી નથી.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે પરોઢિયે જે બોલેરો પીકઅપ વાન પકડાઈ છે તેનો પોલીસે પીછો કર્યો હોવાનું જણાય છે. જેને કારણે તેના ચાલકે મરણિયા બની સ્પીડમાં ગાડી ભગાડી બાવળની ઝાળીમાં ઘુસાડી દીધાની શંકા છે. હાલ ક્રાઈમ બ્રાંચે જુદી-જુદી બ્રાન્ડની કુલ ર૧ર૪ અંગ્રેજી દારૂની બોટલો કબ્જે કરી બોલેરો પીકઅપ વાનના ભાગી ગયેલા ચાલક વગેરેની શોધખોળ શરૂ કરી છે.