જેતપુરના કુખ્યાત બૂટલેગરના ઘરમાં છૂપાવેલો 10.60 લાખનો દારૂ પકડાયો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
જેતપુરના કુખ્યાત બૂટલેગરના ઘરમાં છૂપાવેલો 10.60 લાખનો દારૂ પકડાયો 1 - image


અગાઉ બુટલેગર વિરૂદ્ધમા ંપ્રોહિબિશનના ૫૮ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

રહેણાંક મકાનમાં ઝડતી કરતા ચોરરૂમ માંથી અલગ અલગ કુલ ૬૭૫૬ વિદેશી દારૂની બોટલ અને ૪૦૮ બિયરના ટીન મળી આવ્યા,આરોપીની શોધખોળ ચાલુ

જેતપુર:  જેતપુરમાં રાજકોટ રૂરલ એલસીબીએ  અહીના કુખ્યાત બુટલેગરના ઘરે દરોડો પાડી ઘરમાં ઝડતી લેતા રૂમમાં છૂપાવેલા  ૬૭૫૬ વિદેશી દારૂની બોટલ અને ૪૦૮ બિયરના ટીન મળી ૧૦.૬૦ લાખનો દારૂ પકડી પાડયો હતો. આ દરોડા વખતે તે હાજર ન હોવાથી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છેે. ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત બુટલેગર સામે અગાઉ પ્રોહિબિશનના ૫૮ અને અન્ય ૧૨ મળી કુલ ૭૦ ગુનાઓ ચોપડે ચડી ચૂક્યા છે. 

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ એલસીબીની ટીમને બાતમી મળેલ હતી કે, જેતપુર ડોબરીયા વાડી વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયાના રહેણાંક મકાનમાં મોટો દારૂનો જથ્થો રાખીને વેચાણ કરાઈ રહ્યું છે. બાતમીનાં આધારે  એલસીબીની ટીમ જેતપુરમાં ડોબરીયા વાડી વિસ્તારના અનિલ ડબલીના રહેણાંક મકાન ખાતે દોડી ગઈ હતી.

એલસીબીની ટીમ ઉપરોક્ત સરનામે પહોંચતા મકાન બંધ હાલતમાં હતું. દરમિયાન લિસ્ટેડ બુટલેગરના પત્ની આવતા તેમની પાસે મકાનનું તાળું ખોલાવી ઝડતી શરૂ કરવામાં આવી હતી. ઝડતી દરમિયાન મકાનમાં આવેલ બેડરૂમમાં ચોરરૂમ મળી આવ્યો હતો. તપાસ હાથ ધરતા ચોરરૂમમાંથી દારૂની બોટલ, બિયરના ટીન અને અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકર સહીતનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબીની રેઇડમાં મળી આવેલા જથ્થાની જો વાત કરવામાં આવે તો રોયલ ગ્રાન્ડ મેલ્ટ વ્હીસ્કી ૧૮૦ એમએલની ૬૦૪૭ બોટલ જેની કિંમત રૂ. ૬,૦૪,૭૦૦, રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમએલની ૫૩૯ બોટલ જેની કિંમત રૂ. ૨,૮૦,૨૮૦, રોયલ સ્ટગ સિગરામ્સ બેરેલ સિલેક્ટ વ્હીસ્કીની ૭૫૦ એમએલની ૧૦૭ બોટલ જેની કિંમત રૂ. ૪૨,૮૦૦, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમએલની ૭ બોટલ જેની કિંમત રૂ. ૯૮૦૦ મળી આવેલ હતી. ઉપરાંત બડવાઈઝર મેગનમ બિયરના ૪૦૭ ટીન જેની કિંમત રૂ. ૪૦,૭૦૦ તેમજ ટીચર એન્ડ સન્સ વ્હીસ્કીની ૭૫૦ એમએલની ૪૯ બોટલ જેની કિંમત રૂ. ૭૭,૧૭૫ ગણવામાં આવી છે.

એલસીબીએ રેઇડ કરતા મોટો દારૂ-બિયરનો જથ્થો તો મળી આવ્યો છે પરંતુ કુખ્યાત બુટલેગર અનિલ મળી નહિ આવતા એલસીબી સહીતની પોલીસે ડબલીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય બાબત છે કે,અગાઉ બે વર્ષ પહેલા ડીવાયએસપી સાગર બાગમારએ બાતમીના આધારે કુખ્યાત બુટલેગર અનિલ બારૈયાના મકાનમાં છાપો માર્યો હતો. મકાનમાંથી દારૂની ૫૫૦ પેટી (૬૬૦ બોટલ) મળી આવી હતી. દરોડા સમયે મર્સીડીઝ કારમાં ભાગી ગયેલા અનીલ  સહિત ત્રણ આરોપીઓ પૈકી અનીલના ભાઇ કિશોર ઉર્ફે ટોનીને તેમજ જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લીધા હતા.

એલસીબીએ આજે  કરેલી રેઇડમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકરના ૬ સેટ મળી આવ્યા છે. જેથી બુટલેગર દારૂમાં ભેળશેળ કરતો હોય તેવું પ્રાથમિક અનુમાન છે. એક ચર્ચા અનુસાર સસ્તા દારૂને અલગ બોટલમાં નાખી તેમાં ભેળસેળ કરી મોંઘીદાટ દારૂ બ્રાન્ડના સ્ટીકર ચોંટાડી વેંચી મારવાનું કારસ્તાન આચરવામાં આવતું હતું. જો કે, અનિલની ધરપકડ બાદ જ સમગ્ર બાબત પરથી પડદો ઊંચકાશે.

અગાઉ આરોપી અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા ઉપર પ્રોહિબિશનના કુલ ૫૮ જેટલા ગુન્હાઓ દાખલ થયેલ છે તથા મારા મારી, લુંટ,ધમકી, એટ્રોસીટી એકટ મુજબના ૯ ગુન્હા અને જુગારધારાના ૩ ગુન્હાઓ રજી. થયેલ છે. રૂરલ ક્રાઇમ બ્રાંચે બુટલેગર અનીલ ઉર્ફેડબલીની અનેકવાર દારૂ સહિતના કેસોમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.



Google NewsGoogle News