ઘોઘામાં મિલ્કતનાં ડખ્ખામાં ભત્રીજાની હત્યા કરનાર કાકાને આજીવન કારાવાસ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ઘોઘામાં મિલ્કતનાં ડખ્ખામાં ભત્રીજાની હત્યા કરનાર કાકાને આજીવન કારાવાસ 1 - image


- 2 વર્ષ પૂર્વે કાકાએ ધારિયાના ઘા ઝીંકી ભત્રીજાની હત્યા કરી હતી

- મૌખિક અને દસ્તાવેજી પૂરાવા ધ્યાને લઇ કોર્ટનો ચૂકાદો

ભાવનગર : બે વર્ષ પૂર્વે ઘોઘા ખાતે મિલકતને લઈને કાકા ભત્રીજા વચ્ચે બોલા ચાલી થઈ હતી બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કાકાએ ભત્રીજા પર ધારિયા વડે હુમલો કરતા ભત્રીજાનું મોત નિપજ્યું હતું. આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કાકાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘા ગામે આવેલ મફતનગર વિસ્તારમાં રહેતા માર્શલ દિપકભાઈ પટેલ (ઉ.વ ૩૭ ), પત્ની, એક પુત્ર તથા ૩ માસની પૂત્રી સાથે રહી અને ઘરેજ પશુ પાલનનો તબેલો ચલાવી ગુજરાન ચલાવતો હતો.યુવાનનાં ઘર પાસેજ રહેતા કાકા સુભાષ પટેલ સાથે મિલ્કત મામલે લાંબા સમયથી નાના-મોટા ઝઘડા ચાલી રહ્યો હતો. તે દરમ્યાન ગત તા.૨૯-૯-૨૦૨૧ના બપોરે માર્શલના ઘર પાસે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા સુભાષે તેની પાસે રહેલ ધારીયાનો એક ઘા માર્શલના માથામાં ઝીંકી દીધો હતી માર્શલ ગંભીર ઈજા સાથે સ્થળ પરજ ઢળી પડયો હતો તેમના પત્ની સ્નેહલતાબેન વચ્ચે પડતા તેને પણ હાથ પર ધારીયા વડે ઇજા પહોંચાડી હતી. દરમ્યાન સુભાષ ઘટના સ્થળેથી નાસી છુટયો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવાન માર્શલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવે એ પૂર્વે સ્થળપર જ મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો.આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ઘોઘા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે મૃતક માર્શલના પત્ની સ્નેહલતાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૨, ૩૨૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી સુભાષ પટેલને ઝડપી લીધો હતો.

આ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઈ જોશીએ રજૂ કરેલ મૌખીક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય દલીલોને ધ્યાને રાખી આરોપી સુભાષ ઇમાન્યુઅલ પટેલને કસૂરવાર ઠેરવી આઇપીસી કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદ અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા તથા આઈપીસી ૩૨૪ અન્વયે બે વર્ષની સજા અને રૂપિયા ૧,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો એક માસની સજા તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ અન્વયે સાત દિવસની સજા અને રૂપિયા ૧૦૦નો દંડ ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરજાદાએ ફટકાર્યો હતો.


Google NewsGoogle News