તણસા નજીક છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
તણસા નજીક છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ 1 - image



- ભાવનગરના ચોથા એડિશ્નલ ડિક્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો

- પોણા ચાર વર્ષ પૂર્વે ભાઇને ફેક્ટરીમાંથી છુટો કરાવ્યાની દાઝમાં વાવડી ગામના શખ્સે કરેલા હુમલાની ઘટના હત્યામાં પરિણમી હતી

ભાવનગર : ઘોઘા તાલુકાના તણસાથી ભંડારીયા તરફ જવાના રોડ પર આવેલ વલ્લભ ઈસ્પાત ફેક્ટરી પાસે પોણા ચાર વર્ષ પહેલા ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક યુવકને છરીનો ઘા ઝીંકી હત્યા કરનાર વાવડી ગામના શખ્સને અદાલતે આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાલુકાના તણસા ગામમાં રહેતા અને  તણસા-ભંડારિયા રોડ પર આવેલ  વલ્લભ ઈસ્પાત ફેક્ટરીમાં મજૂરી કામ કરતા ભરતભાઈ જાદવભાઈ કાંબડ ( ઉં.વ. ૩૫ ) ની સાથે ફેક્ટરીમાં કામ કરતો વાવડી ગામનો હર્ષદ મનુભાઈ પરમાર બરાબર કામ કરતો ન હોય જેથી ભરતભાઈએ કંપનીના મેનેજરને ફરિયાદ કરતા કંપનીના મેનેજરે હર્ષદને કામમાંથી છૂટો કરી દીધો હતો.આ બાબતે હર્ષદે તેના ભાઈ જયદીપ મનુભાઈ પરમારને વાત કરી હતી.

ભાઈને ફેક્ટરીમાંથી છૂટો કરાવ્યા બાબતની દાઝ રાખી ગત તા. ૨૨/ ૦૧/૨૦૨૦ ના રોજ ભરતભાઈ અને તેમના પત્ની વર્ષાબેન ફેક્ટરીમાંથી છૂટીને ઘરે જવા માટે નીકળ્યા ત્યારે જયપાલે ભરતભાઈને ફેકટરીના ગેટ પાસે અટકાવી છરીનો એક ઘા પીઠના ભાગે ઝીંકી દઈ માર માર્યો હતો. પતિને બચાવવા માટે વચ્ચે પડેલા વર્ષાબેનને પણ આ શખ્સે ધક્કો મારીને નીચે પછાડી દીધા હતા.આ બનાવમાં ઇજાગ્રસ્ત ભરતભાઈને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવારમાં મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ઘોઘા પોલીસે આઈપીસી કલમ ૩૯૨,૫૦૪ અને ૫૦૬ ( ૨ )  મુજબ ગુનો નોંધી આરોપી જયપાલની ધરપકડ કરી હતી.આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ શેશન જજ પી.આઇ પ્રજાપતિ

સમક્ષ ચાલી જતા સરકારી વકીલ જયેશ પંડયાની દલીલો, આધાર-પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપી જયપાલને કસુરવાર ગણી આજીવન કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.


Google NewsGoogle News