Get The App

નિલમબાગ પોલીસ સ્ટે. નજીકથી એલસીબીએ 9.64 લાખનો દારૂ ભરેલું આઇશર ઝડપ્યું

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
નિલમબાગ પોલીસ સ્ટે. નજીકથી એલસીબીએ 9.64 લાખનો દારૂ ભરેલું આઇશર ઝડપ્યું 1 - image


રાજસ્થાનથી આઇશરનું કારમાં પાયલોટીંગ કરનાર શખ્સ ફરાર

નિલમબાગ પોલીસને ઉંઘતી રાખી એલસીબીએ વહેલી સવારે દારૂ ભરેલાં આઇશર સાથે કુલ રૂ.૧૫.૬૪ લાખનો મુદ્દામાલ કબજે લીધોઃ ડ્રાઈવર કલિનર સહિત ત્રણ સામે ગુનો દાખલ 

ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં તેના જ પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થતાં ઇંગ્લિશ દારૂની ૮૫૪૪ બોટલ ભરેલ આઇશરને ઝડપી સમગ્ર પોલીસ સ્ટેશનને ઉંઘતું ઝડપી પાડયું હતું.પોલીસે ઝડપી પાડેલાં આ જથ્થા સાથે ઝડપાયેલાં બે શખ્સોએ દારૂનો આ જથ્થો ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત શખ્સે રાજસ્થાનમાંથી મંગાવ્યો હોવાની કબૂલાકત આપી હતી. જો કે, આઈશરને પાઈલોટિંગ આપનાર કુખ્યાત શખ્સ દરોડાના પગલે નાસી ગયો હતો. એલસીબીએ રૂા. ૯.૬૩ લાખના દારૂ તથા આઈશર સહિત રૂા.૧૫.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં છરી સાથે ઝડપાયેલાં ઈસમના મોબાઈલમાંથી જીએસટીની ૮૦થી વધુ શંકાસ્પદ પીડીએફ ફાઈલ મળવાના મામલો પ્રાકશમાં આવતાં આ પ્રકરણમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરનાર નિલમબાગ પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ સહિત પાંચ પોલીસ કર્મીને જિલ્લા પોલીસ વડાએ લીવ રિઝર્વમાં મુકી દેવાની ઘટના હજુ તાજી જ છે તેવામાં આજે આજ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો છે. બનાવની વિગતએવી છે કે, ભાવનગર  લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ આજે વહેલી સવારે નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના પ્રવેશદ્વાર એવા નારી ચોકડી થી કેસરી કલરનું આઇશર કાળા નાળા વિસ્તારમાંથી પસાર થઈને મંત્રેશ કોમ્પલેક્ષ તરફ જવાનો છે, આ ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે.જેના આધારે એલસીબીએ શહેરના જેલરોડ નિલમબાગ પોલીસ સ્ટેશનથી કાળુભા રોડ જવાના માર્ગ પર વૉચ ગોઠવી હતી. તેવામાં બાતમીવાળુંે શંકાસ્પદ આઈશર પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. જી.જે.૨૩ એ.ડબલ્યુ.-૪૫૫૩ નંબરના આઈશરમા પાછળના ભાગે તપાસ કરતા બોડીને અડીને એક લોખંડના દરવાજા વાળું ચોર ખાનું મળી આવ્યું હતું.જેમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની સાઈઝની કુલ ૮૫૪૪ બોટલ કિંમત રૂ.૯,૬૩,૩૬૦ મળી આવી હતી. એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો, આઇસર , લોખંડના પાના તેમજ બે મોબાઈલ મળી કુલ રૂ.૧૫,૬૪,૯૬૦  ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર (રહે. મનુભાઈની દુકાન સામે, મેલડી માતાની ધાર, સુર્યા વાળો ચોક, ખેડૂતવાસ, ભાવનગર) અને કલીનર રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ ચાંચિયા (રહે. ઘંટી વાળો ખાંચો, ઉત્તર કૃષ્ણનગર, વણકરવાસ ભાવનગર)ની ધરપકડ કરી હતી.

પોલીસે ઝડપાયેલાં બન્ને શખ્સોની પૂછપરછ કરતાં દારૂનો આ જથ્થો બંને ઈસમો રાજસ્થાનથી લાવ્યા હોવાનું અને તેમની સાથે દારૂનો જથ્થો મંગાવનાર પ્રવીણ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ (રહે. ઉત્તર કૃષ્ણનગર) પોતાની સાથે રાજસ્થાન આવ્યો હોવાની કબૂલાત આપી હતી.  અને તે ઈસમ પોતાની કાર નંબર જી.જે.૦૪- ઈ.ઈ.- ૮૯૧૭ લઈને આઈશરની આગળ પાછળ પાયલોટીંગ કરતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ કબૂલાતના આધારે  એલસીબીએ ત્રણેય ઇસમો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News