રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજના પરિપત્રથી વકીલો નારાજ, હાઈકોર્ટને રજૂઆત
- વકીલ ગેરવર્તણુક કરે, ઊંચા અવાજે બોલે તો કેસના પ્રોસીડિગ્ઝમાં નોંધ કરવી
- એડવોકેટ્સની ગરિમાનું અપમાન, વકીલને સાંભળ્યા વગર તેના વિરુધ્ધ એકતરફી નોંધ ગેરકાયદે ગણાવી પરિપત્ર રદ રાજકોટ બારની માંગ
- વકીલે ગેરવર્તણુક કર્યાનું જે જણાવે તે જ પોતાના કેસનો ન્યાય તોળી શકે?
રાજકોટ
રાજકોટના ડિસ્ટ્રીક્ટ જજએ ગત તા.૧૮-૧૦ના જિલ્લામાં અદાલતી કાર્યવાહી દરમિયાન કોઈ વકીલ દ્વારા ન્યાયાધિકારી સામે ગેરવર્તણુક કરાય કે ઉંચા અવાજે બોલે કે અદાલતની ગરિમા ન જળવાય તેવું વર્તન કરે તો તેની નોંધ ચાલુ કેસના પ્રોસિડિંગ્ઝમાં કરવા અને તેનો રિપોર્ટ ડિસ્ટ્રીક્ટ જજને મોકલવા જિલ્લાના તમામ ન્યાયાધિકારીઓને પરિપત્ર જારી કર્યો હતો તે સામે વકીલોમાં રોષ અને નારાજગી પ્રસર્યા છે અને રાજકોટ બાર એસોસીએશન દ્વારા આ અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરી આ પરિપત્ર અન્યાયી, ગેરકાયદેસર ગણાવી રદ કરવા માંગણી કરી છે.
ચીફ જસ્ટીસને રજૂઆતમાં રાજકોટ બારએ જણાવ્યું છે કે રાજકોટના ડિસ્ટ્રીક્ટ જજનો આ પરિપત્ર આઘાતજનક છે.આ પરિપત્ર અમને બાર એસોસીએશનને મોકલાયો ન્હોતો પરંતુ, માધ્યમોમાં પ્રસિધ્ધ થતા તે મેળવાયો છે. પરિપત્રના શબ્દો વકીલોની ગરિમા પ્રતિ અપમાન વ્યક્ત કરે છે. તેનો સૂર એવો છે કે માત્ર વકીલો જ એકપક્ષે જ ગેરવર્તણુક કરે અને તેની સામેના પક્ષે ગેરવર્તણુક થાય જ નહીં?!
કોઈ વકીલે ગેરવર્તણુક કરે છે તે નક્કી કરવાનો અધિકાર એકતરફી આપી દેવાયો છે, એટલે કે પોતાના જ કેસના પોતે જ જજ બને. પરિપત્રમાં વકીલને તેઓ શુ કહેવા માંગે છે તે કહેવાની તક આપ્યા વગર, તેમને સાભળ્યા વગર એકતરફી તેના ગેરવર્તણુકની નોંધ પ્રોસિડિંગ્ઝમાં કરવાનું કહેવાયું છે તે ગંભીર બાબત છે. બાર અને બેન્ચ વચ્ચેના સુમેળભર્યા સંબંધોના વ્યાપક હિતમાં આ પરિપત્રને રદ કરવા માંગણી કરાઈ છે.
આ પહેલા રાજકોટ બાર એસોસીએશને મુખ્ય જિલ્લા ન્યાયધીશના આ પરિપત્રને વખોડી કાઢતો ઠરાવ પસાર કર્યો હતોઅને પરિપત્રને ગેરબંધારણીય,અન્યાયી ગણાવ્યો હતો અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સહિતને રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો. આ અન્વયે સિનિયર ધારાશાસ્ત્રીઓના માર્ગદર્શન તળે હાઈકોર્ટ ચીફ જસ્ટીસ ઉપરાંત, હાઈકોર્ટના રજીસ્ટ્રાર, જિલ્લાના યુનિટ જજ, ડિસ્ટ્રીક્ટ જજ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રજૂઆતની નકલ મોકલાઈ છે.