ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળી, પોલીસ ગુનેગારોને છાવરતી હોવાનો વકીલોમાં રોષ
- સબ રજિસ્ટ્રાર કચેરી પાસે ધારાશાસ્ત્રી ઉપર થયેલા હુમલાની ઘટનાને ઘેરા પ્રત્યાઘાત
- પોલીસ એફઆઈઆર નહીં નોંધે તો કોર્ટમાં ફરિયાદ કરવાનો સર્વાનુમતે નિર્ણય, હુમલાના વિરોધમાં તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં
ુભાવનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ગઈકાલે બપોરના સમયે મકાનના દસ્તાવેજ નોંધણી માટે બન્ને પક્ષ સાથે આવેલા ધારાશાસ્ત્રી ધર્મેશભાઈ પ્રવીણભાઈ પોંદા સાથે એક શખ્સે બોલાચાલી કરી તેમના ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ મારામારીના બનાવમાં ઈજા પામેલા એડવોકેટ ધર્મેશભાઈ પોંદાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વકીલ ઉપર થયેલા હુમલાની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વકીલો દોડી ગયા હતા અને હુમલાખોર સામે મારામારી-લૂંટનો ગુનો દાખલ કરી સખત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદ લેવામાં ન આવતા પોલીસની નીતિ-રીતિ ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો અને આરોપીને છાવરવાની નીતિને લઈ વકીલોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. એડવોકેટ ઉપર થયેલી હુમલો કરવાની ઘટનાને ત્રણેય બાર એસોસિયેશને આક્રોશભેર સખત શબ્દોમાં વખોડયો હતો અને પોલીસના તાનાશાહી જેવા વલણ-હુમલાના બનાવના વિરોધમાં આજે બુધવારે ધારાશાસ્ત્રીઓ કોર્ટની તમામ પ્રકારની કામગીરીથી અળગા રહ્યા હતા.
આ અંગે ભાવનગર બાર એસોસિયેશનના પ્રમુખ હિરેનભાઈ ટી.જાનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલની ઘટનામાં પોલીસે ફરિયાદ લીધી નથી. હવે પોલીસ ફરિયાદ નોંધવા માટે લેખિતમાં અરજી કરાશે તેમ છતાં જો પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર લેવામાં નહીં આવે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું. તેમજ આ બાબતે ભાવનગર વકીલ મંડળ દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભાવનગરમાં કાયદા વ્યવસ્થા કથળીને બેહાલ થઈ ગઈ છે. વકીલો ઉપર થતાં હિંસક હુમલામાં ચિંતાજનક છે અને પોલીસ ગુનેગારોને છાવરતી હોવાનો ખુલ્લો આક્ષેપ તેમણે મુક્યો હતો.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન પણ સરકારમાં રજૂઆત કરશે
ભાવનગર સહિત રાજ્યભરમાં વકીલો ઉપર થતાં હુમલા સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન બની ગયા છે. મંગળવારે ભાવનગરમાં કાયદાશાસ્ત્રીને માર મારવાના બનાવે 'સબ સલામત'ના દાવા પોકળ હોવાની પોલ ખોલી છે. ત્યારે રાજ્યમાં ધારાશાસ્ત્રીઓ ઉપર હુમલાની ઘટનાને રોકવા માટે ધ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ સાથે ચર્ચા થઈ છે, તેઓ વકીલોની સુરક્ષા અને રક્ષણ માટે સરકારમાં રજૂઆત કરશે તેવો નિર્ણય લેવાયો હોવાનું ભાવનગર બાર એસો.ના પ્રમુખ હિરેનભાઈ જાનીએ વાતચીતમાં ઉમેર્યું હતું.