નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ ફેઝ ૧-એનું જાન્યુઆરીમાં લોકાર્પણ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ ફેઝ ૧-એનું જાન્યુઆરીમાં લોકાર્પણ 1 - image


- લોથલ ખાતે પ્રોજેક્ટની સમીક્ષા બાદ કેન્દ્રિય મંત્રીની ઘોષણા

- વિશ્વનું સૌથી ઊંચું 77 મીટરનું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે

ભાવનગર : લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનો ફેઝ ૧-એ જાન્યુઆરી ૨૦૨૪ના અંત ભાગ સુધીમાં તૈયાર થઈ જશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે. 

 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી શ્રીપાદ નાઈકે હેરીટેજ સાઈટ લોથલ ખાતે નિર્માણ પામનાર નેશનલ મેરીટાઈમ હેરીટેજ કોમ્પ્લેક્સનું સ્થળ નિરીક્ષણ કરી ત્યારબાદ અધિકારીઓ સાથે થયેલ કાર્યની સમીક્ષા બેઠક કરી હતી.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૪,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે. 

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે ભારત સમુદ્રી વિરાસતની ઐતિહાસિક અને મહાન ધરોહર ધરાવે છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા તો દક્ષિણમાં ચૌલ, ચેર અને પાંડય રાજવંશે સમુદ્ર શક્તિને વિસ્તારીત કરીને નવી ઊંચાઈ આપી હતી. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિક લાઇટહાઉસ મ્યુઝિયમ હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમ ૭૭ મીટરનું હશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પાંચ વર્ષ જૂની હડપ્પાની વિરાસત એ ગુજરાતનું ગૌરવ છે. તેને ઉજાગર કરવાનો, પુનર્જીવિત કરવાનો આ અવસર છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવું સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું. કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરતાં હતાં, તેવુ જીવંત નિદર્શન આ હેરિટેજ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે. તે વખતે જે વ્યવસ્થાઓ, વિનિમય હતો, તેનું તાદૃશ્ય દર્શન થાય તે પ્રકારનું આ કોમ્પલેક્સ બનાવવામાં આવશે. આ કોમ્પ્લેક્ષમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલમાં પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, અહીં દરિયાઈ જહાજો બનતાં હતાં, એ જ્વલંત ઇતિહાસ પણ અહીં ફરી જીવંત થશે.

આ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ લગભગ રૂ. ૪,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ૪૦૦ એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આકટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હડપ્પન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસો દર્શાવતી ૧૪ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદશત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન તૈયાર કરવામાં આવશે.


Google NewsGoogle News