હવે ગુજરાતમાં પ્રથમવાર ATMમાંથી 24 કલાક નીકળશે અનાજ, આ જિલ્લાથી કરાઈ શરુઆત

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
હવે ગુજરાતમાં પ્રથમવાર ATMમાંથી 24 કલાક નીકળશે અનાજ, આ જિલ્લાથી કરાઈ શરુઆત 1 - image

Grain ATM in Bhavnagar : દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનની દુકાન દ્વારા અનાજ અપાઈ રહ્યું છે, ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત ‘અન્નપૂર્તિ એટીએમ’નો પ્રારંભ કરાવ્યો છે. રેશનકાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈપણ સમયે લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં આ અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ થયો છે.

હવે રેશનકાર્ડ ધારકોએ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે 

આમ તો રાજ્યભરમાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે, ઘણી વખત અનાજ મેળવવા માટે તારીખોની રાહ જોવી પડે છે, તો ક્યારેક ક્યારેક લાંબી લાઇનોમાં પણ ઊભા રહેવું પડે છે, ત્યારે સરકારે રેશનકાર્ડ ધારકોને વધુ સરળ અને અત્યાધુનિક સુવિધા આપવા માટે આ પહેલનો પ્રારંભ કરાવ્યો છે. સરકાર દ્વારા સ્માર્ટ એફ. પી. એસ. પાઇલટ પ્રોજેકટ અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તકના કરચલીયાપરા ખાતે અન્નપૂર્તિ અનાજ એ.ટી.એમ (ગ્રેઇન એટીએમ)નો પ્રારંભ કરાવ્યો છે. 

હવે ગુજરાતમાં પ્રથમવાર ATMમાંથી 24 કલાક નીકળશે અનાજ, આ જિલ્લાથી કરાઈ શરુઆત 2 - image

અનાજનું ATM રહેશે 24 કલાક કાર્યરત

આ અન્નપૂર્તિ ATM 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકો ATMમાંથી ચોવીસ કલાક નાણાં ઉપાડી શકે છે, તેવી રીતે થંબ સિસ્ટમ સાથે જોડાયેલા કોઈપણ રેશનકાર્ડધારકો થંંબ કરીને મળવા પાત્ર ATMથી અનાજ મેળવી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપી રહ્યું છે, ત્યારે સામાન્ય, ગરીબ અને શ્રમિક પરિવારના અનેક રેશનકાર્ડ ધારકોને કામ પર જતાં હોવાથી સમયનો અભાવ હોય છે, ત્યારે હવે તેઓ પોતાના અનુકૂળ સમય મુજબ આ સ્થળ પરથી પોતાનું રાશન મેળવી શકશે. 

નોંધાયેલા પરપ્રાંતીય લોકો પણ મેળવી શકે લાભ

આ ATMથી રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય નોંધાયેલા લોકો પણ અનાજ મેળવવાને પાત્ર રહેશે. તેમજ કોઈ પણ રેશનકાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે. ભાવનગરમાં ATM લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ ATM મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજયમાં સૌ પ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતાં લોકોએ રાજ્ય સરકારના કામની સરાહના કરી છે.



Google NewsGoogle News