ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે દર્દીઓને ધરમધકકા
- ઉશ્કેરાયેલા ગ્રામજનો દ્વારા આંદોલનની ચિમકી
- એમ.બી.બી.એસ.તબીબ બે મહિનાની લાંબી રજા પર હોવા છતાં અન્ય તબીબને ચાર્જ પણ સોંપાયો નહિ
ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ.બી.બી.એસ. તબીબ બે મહિનાની લાંબી રજા પર છે તેમ છતાં જિલ્લા આરોગ્ય ખાતાના સત્તાધીશો દ્વારા કોઈ અકળ કારણસર અન્ય કોઈ ડોક્ટરને ચાર્જ પણ આપવામાં આવેલ નથી. આ બાબતે જયારે તાલુકા હેલ્થ ઓફિસરને પૂછવામાં આવે છે ત્યારે જવાબ પણ એવો મળે છે કે, બે મહિના કોઈ બીમાર ન થાય એ ધ્યાન રાખવું. સરકાર મોટી મોટી વાતો કરે છે ત્યારે આજે પણ પહેલા જેવી જ સ્થિતિ ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છે. આજે ટાણા પ્રાથમિક કેન્દ્રમાં કોઈ ડોક્ટર હાજર ન હતા.જેના માટે સ્ટાફમાં પૂછતાં કોઈને ખબર ન હતી કે, ક્યારે ડોક્ટર આવશે. ટાણાના સરકારી દવાખાના માટે દિલ્હીથી ટીમએ આવી ૨૪ કલાક આરોગ્યલક્ષી સેવા મળે છે તે બાબતના સટફિકેટ આપવામાં આવેલ છે તો તે શું ફક્ત કાગળ પર કામ કરીને જ મેળવ્યું હશે ને! ગયા અઢવાડિયે આ બાબતે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવા છતાં પણ સરકારમાં આ અંગે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી હકીકત જણાઈ રહેલ છે.જો આવી જ રીતે દવાખાના ચલાવી ગરીબ લોકોના ટેક્સના પૈસાનો ગેર ઉપયોગ બંધ કરવામાં નહિ આવે તો હવે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવું પડશે તેવી ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.