For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપાલા-ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિય મહિલાઓના ઉપવાસ, ભાવનગરના મહારાણીએ પારણાં કરાવી લડતને સમર્થન જાહેર કર્યું

Updated: Apr 27th, 2024

રૂપાલા-ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિય મહિલાઓના ઉપવાસ, ભાવનગરના મહારાણીએ પારણાં કરાવી લડતને સમર્થન જાહેર કર્યું

- ભાવનગરમાં ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના નેતૃત્વમાં 50 મહિલાઓએ કર્યા પ્રતિક ઉપવાસ

- ક્ષત્રિય મહિલાઓની લડતમાં અન્ય સમાજની મહિલાઓ પણ  જોડાઈઃ ગાયત્રી હવન સાથે ભાજપને મત નહીં આપવા સામૂહિક શપથ લેવાયા 

ભાવનગર : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોેત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે શરૂ કરેલાં નવતર અને આક્રમક વિરોધના ભાગરૂપે આજે ભાવનગરમાં ૫૦થી વધુ ક્ષત્રિય મહિલાઓેએ પ્રતિક ઉપવાસ કરી આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના શપથ લીધા હતા.જો કે, સાંજે ભાવનગરના મહારાણીએ ઉપવાસી મહિલાઓને પારણાં કરાવી તેમની લડતને સમર્થન જાહેર કર્યું હતું. આ સાથે ક્ષત્રિય મહિલાઓએ આગામી ૭મી મે સુધી ધર્મરથ, ભાજપ વિરૂદ્ધ મતદાન જાગૃતિ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી.

ભાજપના નેતા અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદીત અને અભદ્ર ટિપ્પણીનો મુદો હવે રૂપાલા કે રાજકોટ પુરતો સિમિત ન રહેતાં રાજ્યવ્યાપી બનવાની સાથોસાથ સત્તાધારી ભાજપ માટે ગળાના હાડકા સમાન બન્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પ્રારંભિક તબક્કામાં રૂપાલા સામે શરૂ કરાયેલો વિરોધ હવે નોંધપાત્ર ક્ષત્રિય મતદારો ધરાવતી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને પણ સહન કરવાનો આવ્યો છે. બહુમત ક્ષત્રિય મતદારો ધરાવતી ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારને છેલ્લા એક સપ્તાહથી જયાં જયાં પ્રચારમાં જાય ત્યાં ક્ષત્રિય વિરોધની આગમચેતીના કારણે રૂટ બદવાની ફરજ પડવાની લઈ પૂર્વનિયોજિત સભા, બેઠક મુલ્તવી રાખવા સુધીની નોબત આવી છે. તો તેમના ટેકેદારો પ્રચારમાં જાય તો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવાની ફજ પણ પડી હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. 

દરમિયાનમાં રૂપાલા સહિત સમગ્ર ભાજપ સામે વિરોધનું રણશીંગું ફૂકનાર ક્ષત્રિય સમાજના સંગઠન ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજ, ભાવનગર દ્વારા આજે ભાવનગર શહેરના મિલેટ્રી સોસાયટીમાં આવેલ બજરંગદાસ હોલ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનના શિર્ષક તળે પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા.પૂર્વ નિર્ધારિત જાહેરાત મુજબ આજે સવારથી જ ક્ષત્રિય સમાજના ૫૦થી વધુ મહિલાઓ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.તો, તેમને સમર્થન આપવા માટે ક્ષત્રિય ઉપરાંત અન્ય સમાજની મહિલાઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં હાજરી આપી હતી. ઉપસ્થિત મહિલાઓએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે હવન કર્યો હતો.તેમ  ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ ભૂમિબા ચુડસામાએ વિગતો આપતાં જણાવ્યું હતું. તેમણે આ તકે આ ઉપવાસ થકી ક્ષત્રિય મહિલાઓ દ્વારા ભાજપને નારી શક્તિનો પરચો આપવામાં આવ્યો હોવાનું જણાવી આ લડાઈમાં અન્ય સમાજની મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામ મહિલાઓએ આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપને મત નહીં આપવા સામૂહિક શપથ લીધા હતા. જયારે,આગામી તા.૭ મે સુધી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ વિચરણથી લઈ ભાજપ વિરૂદ્ધ મતદાન જાગૃતિ સહિતના યોજાનાર કાર્યક્રમામાં સહભાગી થવાની જાહેરાત કરી હતી. પ્રતિક ઉપવાસના અંતે સાંજે ભાવનગર સ્ટેટના મહારાણી સમયુંક્તાકુમારીદેવીએ કાર્યક્રમ સ્થળે આવીને પ્રતિક ઉપવાસ કરનાર ક્ષત્રિય મહિલાઆને પારણા કરાવ્યા હતા. આ સાથે તેમણે આ લડતમા સમર્થન જાહેર કર્યું હતું. તેમ પ્રમુખ ભૂમિબા ચુડાસમાએ વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરૂદ્ધના વિવાદી નિવેદનને લઈ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહે ભાજપમાં રહેલાં રાજપૂતોને ભાજપૂતો કહી રૂપાલાના નિવેદનની આક્રમક ટિકા કરી હતી. બાદમાં આજે મહારાણી દ્વારા લડતને જાહેર સમર્થન અપાતાં સમગ્ર મામલે નવો અને અણધાર્યો વળાંક આવ્યો છે. 

Gujarat