છરીના આડેધડ ઘા ઝીંકી પત્નીની હત્યા નિપજાવી પતિનો ગળાફાંસો ખાઇ આપઘાત
ઓખા મંડળમાં સૂરજકરાડી ગામે અરેરાટીજનક બનાવ
ઘરકંકાસને કારણે બનેલો બનાવઃ બે સંતાનો નોંધારા બન્યા
ખંભાળિયા: ઓખા મંડળના સુરજકરાડી ગામે ગત મોડી સાંજે ખેલાયેલા એક ખૂની ખેલમાં દંપત્તિ વચ્ચે ચાલતા ઝઘડાના કારણે પતિ દ્વારા પોતાની પત્નીને છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પોતે પણ છતના પીઢીયામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. હત્યાના આ બનાવથી તેઓના બે માસુમ બાળકો હાલ નોંધારા બન્યા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર તાબેના આરંભડામાં રહેતા ભાવુભા મોડભા કેર નામના ૪૫ વર્ષના યુવાન દ્વારા તેમની માસીની દીકરી ભાવનાબેન વલૈયાભા માણેક (ઉ.વ. ૩૦)ની હત્યા કરવા બદલ તેના પતિ વલૈયાભા મોમૈયાભા માણેક (ઉ.વ. ૩૪) સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી ભાવુભાના માસી રાજબાઈ કેશુભા સુમણીયાની પુત્રી ભાવનાબેનના લગ્ન આજથી આશરે ૧૧ વર્ષ પૂર્વે દ્વારકા તાલુકાના પાડલી ગામના વલૈયાભા મોમૈયાભા માણેક સાથે થયા હતા. ડ્રાયવિંગ કામ કરતા વલૈયાભા માણેક પોતાના પરિવાર સાથે છેલ્લાં પાંચેક વર્ષથી સુરજકરાડી ગામ ખાતે તેમના સસરા કેશુભાના મકાનમાં ભાડેથી રહેતા હતા. આ દંપતીને લગ્નજીવન દરમિયાન હાલ નવ વર્ષની પુત્રી હેતાક્ષી અને છ વર્ષનો પુત્ર હિતેશ છે. તેઓ સાથે વલૈયાભાના મોટાભાઈ રાણાભાની ૧૬ વર્ષની પુત્રી પાયલ પણ રહેતી હતી.આ દંપતિ વચ્ચે છેલ્લા ત્રણ-ચાર માસથી અવારનવાર ઝઘડા થતા હતા.
દરમિયાન ગઈકાલે ફરિયાદી ભાવુભા તેમના પત્ની બચુબેન તથા પુત્રી સાથે સુરજકરાડી ગામે તેઓની માસીની દીકરી ભાવનાબેનના ઘરે આંટો દેવા આવ્યા હતા. ત્યારે ભાવનાબેનના બે બાળકો તથા સાથે રહેતી ભત્રીજી એમ ત્રણેય છોકરાઓ ગરબીની પ્રેક્ટિસ કરવા માટે બહાર ગયા હતા. તે દરમિયાન બનેવી વલૈયાભા પણ ઘરે આવતા બધા વાતો કરતા બેઠા હતા. દરમિયાન સાંજે આશરે ૭.૩૦ વાગ્યાના અરસામાં ભાવનાબેન રૂમની અંદર જતા તેમની પાછળ વલૈયાભા પણ અંદર ગયા હતા. થોડીવાર પછી રૂમમાં રહેલા ભાવનાબેનનો જોરથી અવાજ સાંભળવા મળ્યો હતો કે ભાવુભા બચાવો બચાવો... જેથી ભાવુભાએ રૂમનો દરવાજો ખોલવા જતાં દરવાજો અંદરથી બંધ હતો.જેથી ત્યા પડેલા બેલા વડે દરવાજો તોડીને અંદર જતા રૂમમાં ભાવનાબેનનો લોહી નીતરતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. અને મૃતદેહની બાજુમાં છરી અને નજીકમાં જ છતમાં રહેલા પીઢીયામાં દુપટ્ટો બાંધીને લટકતી હાલતમાં વલૈભાનો મૃતદેહ જોવા મળ્યો હતો. આથી ભાવુભાએ તેમના માસી રાજબાઈ, ભાવનાબેનના ભાઈ અતુલભાઈ વિગેરેને તાકીદે બોલાવી ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમે આવીને જોતા બંનેને મૃત જાહેર કર્યા હતા.
પરિવારજનો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી તેમજ સ્થાનિક પી.આઈ. અને સ્ટાફ અહીં દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આમ આ સમગ્ર પ્રકરણમાં ઘરકંકાસને કારણે યુવાન દ્વારા પોતાના પત્નીની હત્યા કરી, અને આપઘાત કરી લીધા અંગેની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાવાઇ છે. આ સમગ્ર બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે ઓખા મંડળમાં ભારે ચકચાર પ્રસરાવી છે.