રૂપિયાની લેતી-દેતીનાં મનદુઃખમાં ભરાણા ગામનાં દંપતીનું અપહરણ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
રૂપિયાની લેતી-દેતીનાં મનદુઃખમાં ભરાણા ગામનાં દંપતીનું અપહરણ 1 - image


પોલીસે નાકાબંધી કરીને પતિ-પત્નીને મુકત કરાવ્યા

જખૌની ફિશીંગ બોટનાં માલિક સહિત ત્રણ અપહરણકાર અને દંપતીની રેકી કરનાર સહિત ચારે'ય શખ્સોને સકંજામાં લઇને કાર્યવાહી

ખંભાળીયા: ખંભાળીયા તાલુકાનાં ભરાણા ગામે પૈસાની લેતી - દેતીનાં મનદુઃખમાં દંપતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે નાકાબંધી કરીને પતિ - પત્નીને મુકત કરાવ્યા હતા અને ત્રણ અપહરણકાર સહિત ચાર શખ્સોને સકંજામાં લઇને કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ફૈઝલ મામદહનીફભાઈ સુંભણીયા તથા તેમના પત્ની આઈશાબેન ફૈઝલભાઈ સુંભણીયા ગઈકાલે શુક્રવારે સાંજે ભરાણા ગામ નજીક તેની તેઓની પરિણીત ભાણેજ ફિજાબેન મુસ્લિમભાઈ ભાયા (ઉ.વ. ૧૯) સાથે ઉભા હતા. ત્યારે તેઓ પાસે એક બ્લુ કલરની મોટરકાર આવીને ઊભી રહી હતી. આ કારમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા. જે પૈકી એક શખ્સની ઓળખ ફૈઝલભાઈએ બિલાલ મારાજ તરીકે આપી હતી. બિલાલ મારાજ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ ફૈઝલને બિભત્સ ગાળો કાઢી, બેફામ મારવા લાગતા તેમના પત્ની આઈશાબેન તથા ભાણેજ ફિજાબેન ભાયાએ તેઓએ અટકાવ્યા હતા. પરંતુ અપહરણ કરવાના આશયથી આવેલા ત્રણે'ય શખ્સોએ ફૈઝલ તથા આઈશાબેનને મોટરકારની વચ્ચેની સીટ ઉપર બેસાડી અને ત્યાંથી અપહરણ કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. બાદમાં બિલાલ મારાજ તથા અન્ય બે શખ્સોએ બ્લુ કલરની મોટરકારમાં આવી અને ફૈઝલને ગાળો કાઢી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ફૈઝલ તથા આયશાબેનનું અપહરણ કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે ફીજાબેન મુસ્લિમભાઈ ભાયાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) અને ૩૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, વિવિધ દિશાઓમાં તપાસ આરંભતા ફૈઝલ સુંભણીયા કે જે આ પ્રકરણના મુખ્ય આરોપી બિલાલ મારાજની ફિશિંગ બોટમાં જખૌ ખાતે કામ કરતો હતો અને બિલાલને ફૈઝલ પાસેથી લ્હેણી નીકળતી રકમ સંદર્ભે આ બનાવ બન્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે સંદર્ભે વાડીનારના પી.એસ.આઈ. અનિરુદ્ધસિંહ જાડેજા તથા સ્ટાફએ સલાયા ખાતે દોડી જઈ અને અપહરણકાર બિલાલ ઉર્ફે મારાજ કાસમ વિસર તથા તેની સાથે ગયેલા સલાયાના અન્ય બે શખ્સો દાઉદ કાસમ ચમડીયા અને બિલાલ ઉર્ફે ભીખુ આદમની અટકાયત કરી, ફૈઝલ તથા તેમના પત્નીને મુક્ત કરાવ્યા હતા. પોલીસની વધુ તપાસમાં ફૈઝલની રેકી કરી અને તેમની બાતમી આપવા સબબ ભરાણા ગામના મામદ જુમા ચમડિયા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસે તેની પણ અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News