ખંભાળિયામાં યુવાનને દારૂની ડિલિવરી આપવાના બદલે કરાયું અપહરણ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ખંભાળિયામાં યુવાનને દારૂની ડિલિવરી આપવાના બદલે કરાયું અપહરણ 1 - image


પાર્ટનરશીપમાં પ્રથમવાર જ માલ મંગાવતા માલ ન આવ્યો અને

કલ્યાણપુર તાલુકાના શખ્સ દ્વારા ખંભાળિયાના યુવાનને સાથે રાખીને પાર્ટનરશીપમાં વિદેશી દારૂ મંગાવતા આ પ્રકરણમાં વિવિધ વળાંકો  ,સુરતના બે સહીત ત્રણ શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના રહીશ એક શખ્સ દ્વારા ખંભાળિયાના યુવાનને સાથે રાખીને પાર્ટનરશીપમાં વિદેશી દારૂ મંગાવતા આ પ્રકરણમાં વિવિધ વળાંકો આવ્યા હતા. સુરતથી કારમાં આવેલા બે શખ્સો દ્વારા દારૂ આપવાના બદલે તેની રકમ લઈ જઈ અને એની સાથે ખંભાળિયાના યુવાનનું અપહરણ કરાયું હતું. ત્યાર બાદ તેનો છુટકારો કરી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે પણ હરકતમાં આવી, ખંભાળિયા પોલીસ મથકમાં આ સમગ્ર બાબતના બે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે.

આ ચકચારી પ્રકરણની શરૂઆત થોડા દિવસો પૂર્વે થઈ હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના વીરપર - મેવાસા ગામે રહેતા રાહુલ ઉર્ફે ઘુઘો ચાવડા નામના શખ્સ દ્વારા તેમના મિત્ર એવા ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા દિલીપ ઉર્ફે દીલો ગોગન દેથરીયા (ઉ.વ. ૩૧) સાથે થયેલી વાતમાં રાહુલે દિલીપને જણાવ્યું હતું કે મારી પાસે ઇંગ્લિશ દારૂની લાઇન છે. જો તું મારી સાથે ભાગમાં રહે તો તે લોકો દારૂ આપી જશે. તેમ કહેતા ગત તારીખ ૧૫ માર્ચના રોજ નક્કી થયા મુજબ દિલીપ દેથરીયાએ પોતાના ભાગના ૩.૧૦ લાખ રૂપિયા રાખી અને ખંભાળિયા નજીક એક હોટલમાં પોતાની કારમાં પહોંચ્યા હતા. ત્યાંકાળા કલરની એક્સ.યુ.વી. કાર આવેલ હતી.

આ કારમાં આવેલા સુરતના માંગરોળ તાબેના મસ્જિદ ફળિયુ વિસ્તારમાં રહેતા દિવ્યેશ અરવિંદ સોની (ઉ.વ. ૩૧) અને માંગરોળ સુરતના ખાનદાન ફળિયુ ખાતે રહેતા ગોહેલ અબ્દુલ હમીદ મકરાણી (ઉ.વ. ૩૦) નામના બે શખ્સો આવ્યા હતા. અહીં ફરિયાદી દિલીપ દેથરીયા સાથે રહેલા રાહુલ સહિતના બે શખ્સો દારૂ માટે હું બીજા વાહનની વ્યવસ્થા કરીને આવું તેમ કહીને નીકળ્યા બાદ દિવ્યેશ સોનીને રૂપિયા ૬.૪૦ લાખ આપ્યા હતા. પરંતુ દારૂ આપવાના બદલે તેઓના એક્સ.યુ.વી. વાહનમાં દિલીપ ઉર્ફે દિલો દેથરીયાને બેસાડી અને આરોપી દિવ્યેશ અને સોહેલ મકરાણીએ પોતાની ગાડી હંકારી મૂકી હતી.

તેઓએ રૂપિયા ૬.૪૦ લાખ રોકડા તેમજ ફોન પણ લઈ લીધો હતો. જે અંગેનો વિરોધ કરતા બંને આરોપીઓએ દિલીપને બિભત્સ ગાળો ભાંડી, માર માર્યો હતો. આ સ્થળેથી અપહરણ કરી ગયા બાદ આરોપીઓએ તેને ખંભાળિયા નજીક આવેલી કણજાર ચોકડી પાસે ફેંકી દઈ અને મોબાઈલ ફોન પણ ફેંકી, પૈસા લઈને નાસી છૂટયા હતા.આ પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે દિલીપ ઉર્ફે દિલો ગોગન દેથરીયાની ફરિયાદ પરથી સુરતના દિવ્યેશ અરવિંદ સોની અને સોહેલ અબ્દુલ મકરાણી સામે ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં વધુ થયેલી કાર્યવાહીમાં એલસીબી પોલીસ દ્વારા ગત તારીખ ૧૫ મીના રોજ રાત્રે હાથ ધરવામાં આવેલા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અહીંના પોલીસ કંટ્રોલરૂમમાં આવેલા કોલ મુજબ પોરબંદર તરફથી ખંભાળિયા તરફ આવી રહેલી એસ.યુ.વી. મોટરકારને અહીંના ગંગાજમના ત્રણ રસ્તા પર આવતા અટકાવીને રાત્રિના આશરે સવા બાર વાગ્યાના સમયે કારમાં જઈ રહેલા આરોપી દિવ્યેશ અરવિંદ સોની (ઉ.વ. ૩૧) અને સોહેલ અબ્દુલ (ઉ.વ. ૩૦) નામના બે શખ્સોને અટકાવી પૂછપરછ કરતા આરોપી રાહુલ ઉર્ફે ઘુઘો ચાવડાએ ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ એકબીજાના ફોન નંબરની આપ-લેમાંથી ઇંગ્લિશ દારૂ મંગાવવાનું નક્કી થતાં આ બંને શખ્સો એક્સ.યુ.વી. કાર મારફતે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર વડત્રા ગામની બાજુમાં આવેલી એક હોટલ પાસે આરોપી રાહુલ ઉર્ફે ઘુઘો અને દિલીપ ઉર્ફે દિલો દેથરીયા સાથે તારીખ ૧૫ ના રોજ રાત્રે ૯ થી ૧૦ વચ્ચે હેરાફેરીનો પ્લાન તેમજ પૈસાની લેતી-દેતી બાબતે ભેગા થયા હતા. આ પછી સુરતથી આવેલા બંને આરોપીઓએ દિલીપ દેથરીયાને કારમાં બેસાડી, તેની પાસેથી પૈસા પડાવી લઈ જઈને તેઓને ઇંગલિશ દારૂ નહીં આપ્યો હોવાની બાબત પોલીસ સમક્ષ ખુલવા પામી હતી.


Google NewsGoogle News