રાજકોટથી કાકીના ભાઈનું અપહરણ કરી રૂા.પાંચ લાખની ખંડણી માગી
વાડીને વાવવાલાયક બનાવવામાં કરેલા પાંચ લાખનો ખર્ચ વસૂલવા અપહરણ
મોબાઇલ લોકેશનના આધારે પોલીસે વાંકાનેરના ખેરવાથી અપહૃતને મુક્ત કરાવી ત્રણે'ય આરોપીઓને દબોચી લીધા
રાજકોટ: વાંકાનેરના ખેરવા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા ચંદ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ હેમતસિંહ ઝાલા (ઉ.વ.૩૮)એ પાંચ લાખની ખંડણી વસૂલવા રાજકોટમાંથી કાકીના ભાઈનું અપહરણ કરી તેને ખેરવા ગોંધી રાખ્યો હતો. જ્યાંથી પ્ર.નગર પોલીસે અપહૃતને મુક્ત કરાવી ચંદ્રસિંહ ઉપરાંત તેની સાથે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જેરામ જાદવ મેવાસીયા (ઉ.વ.૪૧, રહે. ખેરવા) અને મેહુલ ઉર્ફે મેહુર રતાભાઈ મુંધવા (ઉ.વ.૪૦,રહે. પીપળીયા(અગાભી), તા. વાંકાનેર)ની ધરપકડ કરી હતી.
પોપટપરામાં માઉન્ટેન પોલીસ લાઇન પાછળ સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા નિરુબા પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.૪૦)ને સંતાનમાં ચાર પુત્રી છે. તેનો ભાઇ પ્રવિણસિંહ પણ તેની સાથે છેલ્લા પાંચેક વર્ષથી રહે છે. ગઇકાલે સવારે નિરુબાના પતિ નોકરીએ ગયા હતા. જ્યારે બે પુત્રી ગાયત્રીબા અને ધુ્રવીબા સ્કૂલે ગઇ હતી. મોટી પુત્રી પૂજા પણ નોકરીએ ગઇ હતી. પાછળથી પુત્રી આરતીબા સાથે ઘરે હતા ત્યારે નિત્યક્રમ મુજબ ગેસ લાઇટર ફિટીંગનું કામ કરી રહ્યા હતા.
બપોરે પુત્રી આરતીબાના મોબાઇલ પર જેઠના પુત્ર આરોપી શક્તિસિંહે કોલ કરી કહ્યું કે મેં તારા મામા પ્રવિણસિંહને કીડનેપ કર્યા છે, તારા મામાને છોડાવવા હોય તો મેં વાડીમાં જે રૂા. પાંચ લાખનો ખર્ચ કર્યો છે તે લઇને આવો, બાકી તારા મામાને મારી નાખશું.
આ વાતની જાણ થતાં નિરુબા ગભરાઇ ગયા હતા. જેથી તત્કાળ તેણે ભાઈ પ્રવિણસિંહને કોલ લગાડતા સ્વીચ ઓફ મળ્યો હતો. પતિને જાણ કરતાં તેણે તત્કાળ ફરિયાદ નોંધાવવાનું કહેતા પ્ર.નગર પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદ નોંધતી હતી તે વખતે પણ જ આરોપી ચંદ્રસિંહ ઉર્ફે શક્તિસિંહના ખંડણી માટેના કોલ આવતા હતા.
જેથી પ્ર.નગરનાં પીએસઆઈ બી.વી. ચુડાસમા અને એએસઆઈ સી.એમ. ચાવડાએ તત્કાળ મોબાઈલ ફોનનું લોકેશન કઢાવતા વાંકાનેરના ખેરવા ગામનું મળ્યું હતું. જેથી તત્કાળ ખેરવા પહોંચી અપહૃત પ્રવિણસિંહને શોધી કાઢી મુક્ત કરાવી આરોપી ચંદ્રસિંહ ઉર્ફે શક્તિસિંહની અટકાયત કરી હતી. તેણે આપેલી માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીની પણ અટકાયત કરી હતી.
પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ફરિયાદી નિરુબાની જમીન ખેરવામાં આવેલી છે. જે તેને પૂછ્યા વગર આરોપી ચંદ્રસિંહ ઉર્ફે શક્તિસિંહે વાવવા માટે રાખી હતી. એટલું જ નહીં આ માટે તેણે પાંચેક લાખનો ખર્ચો થયાનું જણાવી તે રકમ વસૂલવા કાકી નિરુબાના ભાઈ પ્રવિણસિંહને ઉપાડી લીધો હતો. આ માટે તે અન્ય બે આરોપીઓ સાથે ગઇકાલે રાજકોટ આવ્યો હતો. જંકશનમાં આવેલા ગીતા મંદિર પાસેથી તેણે પ્રવિણસિંહને ચા પીવાના બહાને બોલાવ્યા બાદ રિક્ષામાં તેનું અપહરણ કરી લીધું હતું. તેના મોઢે ડૂમો દઇ ખેરવા ગામે લઇ ગયો હતો. જ્યાં એક રૂમમાં તેને ગોંધી રાખી પાંચ લાખની ખંડણી માગવાનું શરૂ કર્યું હતું.