Get The App

ખુંખાર સિંહણનો રાત્રે સિક્યુરીટી ગાર્ડ, સવારે 3 વન કર્મી પર હુમલો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ખુંખાર સિંહણનો રાત્રે સિક્યુરીટી ગાર્ડ, સવારે 3 વન કર્મી પર હુમલો 1 - image


- આક્રમક બનેલી સિંહણે લુણસાપુર ગામની ઉંઘ હરામ કરી હતી

- વન વિભાગે મેગા ઓપરેશન માત્ર બે કલાકમાં પાર પાડી સિંહણને પાંજરે પુરી

રાજુલા : ગીરથી નજીકનો વિસ્તાર એટલે અમરેલી જાફરાબાદ ગઇકાલે લુણસાપુર ગામે આવી ચડેલ સિંહણે પ્રથમ એક કંપનીના સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો જેની જાણ થતા વન વિભાગે પણ સિંહણને પકડવા કશ્મકશ હાથ ધરી હતી. દરમિયાન ભુરાઇ થયેલ સિંહણે વન વિભાગના ત્રણ કર્મચારી ઉપર પણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જો કે, જાનના જોખમે વન કર્મીઓ અને ડોક્ટરે સિંહણને ટ્રન્ક્યુલાઇઝ કરવામાં સફળતા મળી હતી અને સવારે બે કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પુરવામાં આવતા લોકોએ અને વન તંત્રએ રાહતનો દમ લીધો હતો.

રાની પશુઓનો આવરો-જાવરો અને મારણના બનાવો નિયમિત બનતા હોય છે. પરંતુ અમરેલીમાં બનેલા સિંહણના હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડ પર મોડી રાત્રે આવી ચડેલી સિંહણે હુમલો કર્યો હતો. દેકારો થતા સિંહણ ત્યાંથી નાસી છુટી હતી. જ્યારે સવાર મિતીયાળા વિસ્તારમાં પણ આજ સિંહણ જાણે હુમલો કરવા રઘવાઇ બની હોય તેમ દોડધામ કરતી હતી. બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા જાફરાબાદ રાજુલા વન વિભાગનો મોટો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પ્રથમ બે ટ્રેકરો સિંહણની મુવમેન્ટ ચેક કરવા આગળ ગયા હતા પરંતુ છુપાઇ બેસેલી સિંહણે આ બન્ને ટ્રેકરો ઉપર હુમલો કરી પંજા વડે ઇજા પહોંચાડી હતી. બનાવ વધુ પેચીદો બનતા અન્ય વન કર્મીઓને બોલાવી લીધા અને મોટો કાફલાએ સિંહણને પકડવા ઘેરાવ કર્યો હતો. દરમિયાન સિંહણ વધુ આક્રમક બની હતી અને વન વિભાગની ગાડી ઉપર ચડી ગઇ હતી. દરમિયાન ડોક્ટર ટીમે સિંહણને ઇન્જેક્શન મારવા પ્રયાસ કરતા સિંહણે ગાડીની અંદર ઘુસી ડ્રાઇવર પર હુમલો કરી બહાર ખેંચ્યો હતો જેમાં આ ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટના બાદ વન વિભાગ ચિંતામાં મુકાઇ જવા પામ્યું હતું. પરંતુ સમગ્ર ઘટનાને મેગા ઓપરેશનનું નામ આપી વન વિભાગના અન્ય કર્મચારીઓએ જીવના જોખમે હિંમત દાખવી નજીક પહોંચી ઇન્જેક્શન વડે ટક્યુલાઇઝ કરી રઘવાઇ બનેલ સિંહણને બેભાન કરી દીધી હતી અને પાંજરે પુરી દેવામાં આવી હતી. આ બે કલાકની ભારે જહેમત બાદ આખરે વન વિભાગે ઓપરેશન સક્સેસફુલ રીતે પાર પાડતા વન વિભાગે અને ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

સિંહણને કોઇ બીમારી અથવા તકલીફ હોવાનું પ્રાથમિક તારણ

પાલિતાણા શેત્રુંજી ડિવિઝન ઇન્ચાર્જ એસીએફ જી.એલ. વાઘેલાએ જણાવ્યું હતું કે, કુલ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને સિંહણનું આવું વર્તન કોઇ બીમારી કે કોઇ તકલીફ હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે, સિંહણને સ્ટાફે ભારે જહેમત બાદ બેભાન કરી દીધી છે અને હાલ સારવારમાં છે. સેમ્પલ લઇ તેના એનાલીસીસ બાદ સિંહણનું આવા વર્તનનું કારણ જાણી શકાય.


Google NewsGoogle News