ખંભાળિયા 20, જામનગર 11 ઇંચ વરસાદથી જળબંબોળ
- હવે ડીપ ડિપ્રેશનની વ્યાપક અસર હેઠળ જામનગર જિલ્લો
- રાણાવાવમાં 10 ઇંચ, રાજકોટ, પોરબંદર, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, કોટડાસાંગાણી, લોધિકામાં વધુ 8 ઈંચ, સૌરાષ્ટ્ર - કચ્છમાં વીજપુરવઠો ખોરવાતા 613 ગામોમાં અંધારપટ
- સૌરાષ્ટ્રનાં 55 તાલુકામાં અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર
રાજકોટ : મધ્યપ્રદેશમાં ડીપડીપ્રેશનની વ્યાપક અસર રાજસ્થાન થઈને ગુજરાતમાં આવી પહોંચતા સર્જાયેલી ચોમાસુ સિસ્ટમને કારણે આજે રાજકોટ ઉપરાંત દ્વારકા, ખંભાળિયા, મોરબી, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસતાં અનેક વસિતારો જળમગ્ન જોવા મળ્યા હતાં. નદી - નાળા - તળાવોની સાથે સંખ્યાબંધ જળાશયો ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સંક્યાબંધ લોકોને સલામત સ્થળે આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવી હતી. હાલાર પંથકમાં ત્રીજા દિવસે પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેના કારણે જામખંભાળિયા સહિત દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૨૦ ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબોળ થઈ ગયા હતાં. સૌરાષ્ટ્ર કચ્છનાં ૬૧૩ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ જતા અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી.
જામનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે અનેક લોકો પાણીનાં પુરમાં ફસાઈ જતાં એરફોર્સનાં હેલીકોપ્ટરની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ં અનેક વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. શહેર - જિલ્લામાં ત્રીજા દિવસે ૧૧ ઈંચથી વધુ વરસાદ વરસતા બાલંભા ગામે પાણીમાં ફસાયેલા ૮૩ લોકોને વિભાપર અને નથુવડલામાં એસ.ટી. આર.એફ.ની ટીમ દ્વારા ૨૪ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. જયારે દ્વારકા નજીક ૧૩ માછીમારોને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા ખાસ બોટથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. ભાણવડનાં ગુંદા ગામે વૃક્ષ પડવાથી સગર્ભા મહિલાનું મોત નિપજયું હતું. જામનગર નજીક વસઈ ગામે પાણીનાં પ્રવાહમાં ફસાયેલી કારમાંથી બે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતાં. જામનગર શહેરનાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન જોવા મળ્યા હતાં.
સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદને લીધે ૧૪૧ પૈકી ૮૦ જળાશયો ઓવરફલો થયા હતાં. ૨૬૫૭ એમસીએફટી જળસંગ્રહની ક્ષમતા સાથે ડેમોમાં ૨૧૦૩ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો હતો. દ્વારકા જિલ્લામાં ૧૨માંથી ૧૦ જામનગરમાં ૨૧માંથી ૧૬, રાજકોટમાં ૨૮માંથી ૨૪ સુરેન્દ્રનગરમાં ૧૦માંથી ૬ ડેમ છલકાયા હતાં. રાજયનાં ૧૨૨ ડેમને હાઈએલર્ટ કેટેગરીમાં મુકવામાં આવ્યા હતાં. જામનગર નજીક ફુલઝર-૨ ડેમનાં સ્ત્રાવક્ષેત્રમાં ૭ દ્વારકાનાં ગઢકી ડેમનાં સ્ત્રાવક્ષેત્રમાં પાંચ જયારે વેરાડી, ઘી અને શેઢાભારથરી ડેમનાં સ્ત્રાવ ક્ષેત્રમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લીધે ખેતીવાડીનાં ૧૨૨૪ સાથે કુલ ૧૫૨૮ ફિડર ફોલ્ટમાં જતાં ૬૧૩ ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. સૌથી વધુ જામનગર જિલ્લાનાં ૩૬૯ જયારે પોરબંદરનાં ૬૨ અને રાજકોટ ગ્રામ્યનાં ૪૬ ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ વીજ પોલ મોરબી જિલ્લામાં ૨૬૭ વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતાં. કુલ ૧૧૨૨ વીજપોલ અને ૬૭ ટ્રાન્સફોર્મર ડેમેજ થયા હતાં. દિવસ દરમિયાન રાજકોટ શહેરની ૩૧૭ સ્થળે વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો ઉઠી હતી. જૂનાગઢ જિલ્લામાં પણ આજે મેઘસવારી યથાવત રહી હતી. ગિરનાર અને ભેસાણ પંથકમાં વધુ ૪ ઈંચ જયારે જૂનાગઢ, માણાવદર, અને વંથલીમાં ૩ ઈંચ વિસાવદર, મેંદરડા, માળિયા હાટીનામાં દોઢ ઈંચ જયારે કેશોદમાં એક અને માંગરોળમાં અડધો ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોનાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં.