Get The App

ખમૈયા કરો મેઘરાજા : મહુવામાં ગાજવીજ સાથે ધોધમાર સવા બે ઈંચ વરસાદ વરસ્યો

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ખમૈયા કરો મેઘરાજા : મહુવામાં ગાજવીજ સાથે ધોધમાર સવા બે ઈંચ વરસાદ વરસ્યો 1 - image


- હજુ એકાદ-બે દિવસ હળવો વરસાદ પડવાની સંભાવના

- મધરાત્રે મેઘરાજાની ધબધબાટીથી લોકોની ઊંઘ ઉડી, વીજ પ્રવાહ ખોરવાયો

મહુવા : મહુવા પંથકમાં મધરાત્રે મેઘરાજાએ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી દેતા બે કલાકની અંદર જ સવા બે ઈંચથી વધુ પાણી વરસ્યું હતું. આસોમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વરસાદી માહોલ સર્જાતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો.

મહુવા ઉપર ઓણ સાલ પણ મેઘરાજા ઓળઘોળ થઈને વરસ્યા હતા. જેના કારણે ગઈકાલની સ્થિતિએ મહુવામાં સિઝનનો ૧૨૫૧ મિ.મી. (૧૮૫.૬૧ ટકા) વરસાદ વરસી ચુક્યો હતો. કુદરતે જરૂરિયાતથી પોણા બે ગણું પાણી વરસાવી દીધું હોવા છતાં ચોમાસાની વિદાય વેળાએ પણ મેહૂલિયો મહુવા ઉપર મંડાઈ રહ્યો છે. મધરાતથી ભાંગતી રાતના સમયગાળામાં મહુવા શહેરમાં મેઘરાજાએ તોફાની ઈનિંગ ખેલી હતી. રાત્રિના ત્રણ કલાક બાદ શહેરમાં અચાનક જ વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં આવી ચડેલા કાળાડિબાંગ વાદળોએ વીજ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસવાનું શરૂ કરી દેતા માત્ર બે કલાકની અંદર જ સવા બે ઈંચ (૫૫ મિ.મી.) પાણી વરસી ગયું હતું. ગાજવીજ સાથેના વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થતાં લોકોને અંધકારમાં રહેવાની નોબત આવી હતી. શહેરના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મધરાત્રે મેઘસવારીએ ધોધમાર પાણી વરસાવ્યા બાદ આખો દિવસ દરમિયાન મેઘરાજાએ ખમૈયા કરતા મહુવાવાસીઓએ રાહત અનુભવી હતી. જ્યારે જિલ્લાના બાકીના તાલુકાઓમાં વાદળોની આવન-જાવન વચ્ચે મેઘવિરામ રહ્યો હતો. ભાવનગરમાં ગઈકાલની તુલનામાં આજે મહત્તમ તાપમાન ૦.૮ ડિગ્રી વધીને ૩૩ ડિગ્રીએ પહોંચ્યું હતું. લઘુતમ તાપમાન ૦.૧ ડિગ્રી ઉંચકાઈને ૨૬.૧ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા તેમજ પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિકલાકની રહી હોવાનું હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં હજુ એકાદ-બે દિવસ હળવો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં મગફળી પાણીમાં તણાઈ

મહુવામાં આસોમાં અષાઢી માહોલ વચ્ચે મધરાત્રે પડેલા વરસાદના કારણે માર્કેટીંગ યાર્ડમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે વેચાણ માટે લવાયેલી ખેડૂતોની મગફળી પાણીમાં તણાતી જોવા મળી હતી. યાર્ડમાં અંદાજિત ૨૩ હજાર જેટલી ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. જેમાંથી ઘણાં ખેડૂતોની મગફળી પલળી જતાં ત્રણ-ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ હોય તેમ ચિંતા વધી હતી. આ અંગે એપીએમસીના સેક્રેટરી વિશાલ પંચાણીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગે વરસાદની કરેલી આગાહીને ધ્યાનમાં રાખી ખેડૂતોને ખેતપેદાશોને ઢાંકવા માટે તાડપત્રી, પ્લાસ્ટિક વગેરે લાવવા તાકીદ કરાઈ હતી.


Google NewsGoogle News