Get The App

ઈંધણ પર કરબોજે દિવાળીની ઉજવણી કરી મોંઘીદાટ, પેટ્રોલ રૂ.105ને પાર

- લોકોના અચ્છે દિન આડે મોટી વિલન બની મોંઘવારી

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
ઈંધણ પર કરબોજે દિવાળીની ઉજવણી કરી મોંઘીદાટ, પેટ્રોલ રૂ.105ને પાર 1 - image


- ત્રણ દિવસથી રોજ ૩૪ પૈસાનો વધારો, મહિનામાં લિટરે રૂ।.૭  વધી ગયા, ચોપડાં,ફટાકડા,કપડાંથી માંડીને તમામ ચીજો મોંઘી

રાજકોટ

દિવાળીને સપ્તાહની વાર છે ત્યારે લોકોને મહામારી અને મંદીથી તો મોટી રાહત મળી પણ સરકારના અસહ્ય કરબોજથી પેટ્રોલ-ડીઝલ મોંઘુદાટ થતા મોંઘવારીનું વિષચક્રએ લોકોના પર્વ ઉજવણીના ઉત્સાહને ઠંડો પાડી દીધો છે. સતત ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રોજ રૂ।.૩૪ પૈસા લેખે વધારો જારી રહેતા આજે રાજકોટ,જામનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ રૂ।.૧૦૫ને પાર થઈ ગયું છે અને ડીઝલ રૂ।.૧૦૫ પર પહોંચી ગયું છે. 

ખુદ ભાજપના જ દિગ્ગજ નેતાઓએ વર્ષો પહેલા કહ્યું તેમ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી મોંઘવારી બેફામ વધે છે અને લોકો પર અસહ્ય બોજ આવે છે તે વાત હવે લોકોના અનુભવમાં આવી રહી છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારના ટેક્સ,ડયુટી,સેસ અને રાજ્ય સરકારના વેટ સહિતના અસહ્ય કરબોજના કારણે તે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ છે તેથી બમણાં કરતા વધુ ભાવે મળી રહ્યું છે. 

ડીઝલના ભાવવધારા ઉપરાંત દરેક ચીજવસ્તુ પર ઉંચા જી.એસ.ટી.ના પગલે માલનું પરિવહન જ નહીં પણ સ્થાનિક કક્ષાએ માલનું ઉત્પાદન પણ મોંઘુ થયું છે. વાહનો,ઈલેક્ટ્રોનિક વસ્તુથી માંડીને દિવાળી ટાણે જેની લોકો ઉત્સાહભેર ખરીદી કરતા હોય છે તે રંગો, કપડાં, ફટાકડા, ચોપડા જેવી વસ્તુઓમાં પણ સરેરાશ ૨૦ ટકા જેવો ભાવ વધારો થયો છે. 

આ સામે લોકોની આવકમાં ખાસ વધારો નહીં થતા ખરીદીમાં કાપ મુકવો પડયો છે અથવા કચવાતા મને દેવું કરીને ખરીદી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓએ જણાવ્યું કે મોટાભાગના નાગરિકો ખર્ચના બજેટમાં વધારો કરી  શકતા નથી તે કારણે તેઓ વસ્તુનો જથ્થો ઘટાડે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા તેનો વપરાશ અનિવાર્ય છતાં તેનું વેચાણ ઘટયું છે ત્યારે લોકો અન્ય ચીજવસ્તુની ખરીદી પણ કચવાતા મને સીમિત  કરવી પડી છે. મોંઘવારી પર્વની મજા બગાડી રહ્યાનો અહેસાસ થવા લાગ્યો છે.


Google NewsGoogle News