કાપડિયાળી ગામે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું, 10 ને ઈજા
- છેડતીના મામલે ઠપકો આપતા મારામારી થઈ
- ચોરિયા, ફરશી, કોદાળી, લાકડી લઈ એકબીજા પર તૂટી પડયાં, બન્ને પક્ષે મહિલા સહિત આઠ વિરૂધ્ધ ફરિયાદ
ઘટના અંગે મળતી વિગત મુજબ બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે રહેતા રંગુબેન ઉર્ફે અસ્મિતાબેન જગદીશભાઈ બાવળિયા, દેરાણી નેહલબેન હિતેશભાઈ, કિરણભાઈ અરવિંદભાઈ અને નણંદ કિરણબેન રમેશભાઈ બાવળિયા દિવાસા વ્રતનું જાણરણ હોવાથી ગઈકાલે સાંજના સમયેે કુંડળ અને સાળંગપુર મંદિરે દર્શન કરી પરત બરવાળા આવી પાણીપુરી ખાતા હતા. તે દરમિયાન જીવણ ઠાકરશીભાઈ દેવથળા નામના શખ્સે બાઈક પર આવી ચેનચાળા કરતો હોય, જેથી દેરાણી-જેઠાણી સહિતનાઓ પાણીપુરી ખાઈ ગામમાંથી વસ્તુ લઈ ટેમ્પામાં બેસી કાપડિયાળી ગામે જઈ રહ્યા હતા. ત્યારે બાઈક લઈ પાછળ આવતા શખ્સે બિભસ્ત ચેનચાળા કરી છેડતી કરી હતી. જે બાબતને લઈ રંગુબેન, તેમના ભાભુ સવિતાબેન, ભાવેશભાઈ, ઉમેશભાઈ અને દેરાણી સહિતનાઓ જીવણના ઘરે જતાં ઉશ્કેરાયેલા જીવણ ઠારશીભાઇ દેવથળા, ઈશ્વર જીવણભાઇ દેવથળા, રાહુલ જીવણભાઇ દેવથળા અને કૈલાસબેન જીવણભાઈ દેવથળાએ લાકડી, ચોરીયા વડે હુમલો કરી રંગુબેન, તેમના દેરાણી, ભાભુજી સવિતાબેન વલ્લભભાઈ, ભાવેશભાઈ, ઉમેશભાઈને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.
ઘટના અંગે પરિણીતા રંગુબેન ઉર્ફે અસ્મિતાબેન બાવળિયા (ઉ.વ.૨૬)એ જીવણ દેવથળા, ઈશ્વર દેવથળા, રાહુલ દેવથળા અને કૈલાસબેન દેવથળા સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે કાપડિયાળી ગામે રહેતા જીવણભાઈ ઠાકરશીભાઈ દેવથળા (ઉ.વ.૫૮)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે જ ગામે રહેતો ભાવેશ રાયસંગભાઈ બાવળિયા, હિતેશ રમેશભાઈ બાવળિયા, જગા રાયસંગભાઈ બાવળિયા અને ઉમેશ બાબુભાઈ બાવળિયા નામના શખ્સોના ઘરના મહિલાઓ છકડો રિક્ષામાં કાપડિયાળી ગામે જતા હતા. ત્યારે તેઓ રસ્તામાં ઉભા હોય, તે બાબતનું મનદુઃખ રાખી ચારેય શખ્સે જીવણભાઈ, તેમના બે દિકરા ઈશ્વરભાઈ, રાહુલભાઈ અને પત્ની બબુબેનને ફરશી, લાકડી અને કોદાળી વડેે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. જે બનાવ અંગે બરવાળા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.