જૂન માસની સી.ઓ. ચેકીંગ ડ્રાઈવમાં રૂપિયા 1.74 લાખના દંડની વસૂલાત
- વાહનચાલકોને 14 આરટીઓ અને 99 પોલીસ મેમા ફટકાર્યા, 25 વાહન ડીટેઈન
- નો પાર્કિંગ ઝોનનો ભંગ કરતા 10 વાહન ડીટેઈન, 47 હજારના દંડની વસૂલ્યો
ભાવનગર એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા, ભાવનગર આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા ગત જૂન માસમાં સી.ઓ. ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ પેસેન્જર અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા ૨૫ વાહનને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૪ વાહચાલકને આરટીઓના મેમા અને ૯૯ વાહનચાલકને પોલીસ મેમા ફટકારવામાં આવ્યા હતા. સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ દરમિયાન એક માસમાં રૂા.૧,૭૪,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું ભાવનગર એસ.ટી. વિભાગના અવ્વલ સુરક્ષા અધિકારી જે.પી. ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એસ.ટી. ડેપો આસપાસના નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરી મુસાફરો ખેંચી જતાં તત્ત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જૂન માસમાં નો પાર્કિંગ ઝોનનો ભંગ કરતા ૧૨ વાહનને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે આરટીઓના ચાર અને ૬૮ પોલીસ મેમા ફટકારવામાં આવ્યા હતા. તો નો પાર્કિંગ ઝોનનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી રૂા.૪૭,૦૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, જૂન માસ દરમિયાન એસ.ટી., આરટીઓ અને પોલીસ દ્વારા સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ અને નો પાર્કિંગ ઝોન બાબતે કરવામાં આવેલી સંયુક્ત કામગીરીમાં કુલ ૩૭ વાહન ડીટેઈન, ૧૮ આરટીઓ મેમા, ૧૬૧ પોલીસ મેમા અને રૂા.૨,૨૧,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.