જેતપુર ડાઇંગ એસો. પાસેથી એડવોકેટે અસીલ સાથે મળીને રૂા.11 લાખ પડાવ્યા
પ્રદૂષણ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલની ધમકી આપી
બાદમાં વધુ નાણા માગી મેસેજ, ધમકી આપતા બન્ને સામે નોંધાવાઈ ફરિયાદ
બનાવ સંદર્ભે એસોસીએશનના સેક્રેટરી ચેતનભાઈ જગદીશભાઈ જોગીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તે એસોસીએશનના ઓફિસમાં સેક્રેટરી તરીકે કામ સંભાળે છે. એસો. સાડીના કારખાનાઓના પ્રશ્નો તથા દુષિત પાણીને ફિલ્ટર પ્લાન્ટ સુધી લાવી ટ્રીટમેન્ટ કરી શુધ્ધીકરણનું કામ કરે છે. એસો.માં પ્લાન્ટ એન્જીનીયર તરીકે પ્રવિણભાઈ ગોંડલીયા ફરજ બજાવે છે. ઈજનેર ગોંડલીયાને ગત તા.પના રોજ મોબાઈલ ફોન આવ્યો હતો. જેમાં પોતે અમદાવાદ હાઈકોર્ટના વકીલ રજનીકાંત ચૌહાણ બોલે છે તેમ કહી ઓળખાણ આપી હતી.વકીલ ચૌહાણે કહ્યું હતું કે, તમારા એસોસીએશન વિરૂધ્ધ પ્રદુષણ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાવવા એક વ્યકિત આવેલ છે. જો સેટલમેન્ટ સમાધાન કરવું હોય તો કરાવી આપું. ઈજનેર ગોંડલીયાએ કહ્યું કે, પ્રમુખ સાથે વાત કરાવું. તા.૧૦ના રોજ એસોસીએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા તથા ઉપપ્રમુખ સંજયભાઈ વેકરીયાને વાત કરી હતી.
પ્રમુખ જયંતીભાઈએ વકીલ રજનીકાંતને ફોન કરતા તેમણે રૂબરૂ આવો અમદાવાદ અથવા રાજકોટ સેટીંગ કરાવી આપું તેમ કહ્યું હતું.વાત થયા બાદ ગત તા.૧૨ના રોજ બધા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પરસોતમભાઈ વઘાસીયાના ગાયત્રી સ્ક્રીન નામના કારખાને તેમની ઓફિસે મળ્યા હતા. જયાં વકીલે પ્રથમ ૨૫ લાખ માંગ્યા હતા અંતે ૧૦ લાખમાં સેટીંગ થયું હતું. એસો.ના હોદેદારોએ અસીલને મળવાનો આગ્રહ રાખતા કારમાં બેઠેલો ગોવિંદ ધડુક સામે આવ્યો હતો. વકીલની હાજરીમાં તા.૧૫ના રોજ એકઠા થયા હતા. અને માંગેલા ૧૦ લાખ આપ્યા હતા. જેની સામે અસીલ દ્વારા હવે પીઆઈએલ નહીં કરે તેવું નોટરાઈઝ લખાણ કરી આપ્યું હતું.પાંચ દિવસ બાદ તા.૨૧ના રોજ વકીલ રજનીકાંત જેતપુર ડાઇંગ એસો.ની ઓફીસે આવ્યો ત્યાં તેણે ગોવિંદ બધા રૂપિયા લઈ ગયો મારો ફોન ઉપાડતો નથી મને નાણા આપો નહીં તો હું પીઆઈએલ કરીશ તેમ કહી દબાવીને બીજા એક લાખ રૂપિયા વકીલ રજનીકાંતે એસો. પાસેથી પડાવ્યા હતા.બન્ને વચ્ચે ૧૧ લાખ રૂપિયા આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માગણી કરી વોટસએપ કોલ કર્યા રાખતા હતા અને પ્રમુખ તથા સેક્રેટરી બન્નેને મેસેજ કરી વકીલ હેરાન કરતો હતો. અંતે બન્ને વિરૂધ્ધ સેક્રેટરી ચેતનભાઈ જોગીએ ગઈકાલે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
- તમે મને એસા.માં નોકરીમાં રાખ્યો નહીં એટલે આ બધું કર્યુ
જેતપુર ડાઇંગ એસોસીએશન પાસેથી ૧૧ લાખ રૂપિયા પડાવવાના આરોપમાં આરોપી અસીલ ગોવિંદ ધડુકે એસો.ના પ્રમુખ તથા હોદેદારોને બ્લેકમેઈલ કરવા અંગે બિંદાસ્ત કહ્યું કે, તમે મને એસો.માં નોકરીએ રાખ્યો નહીં. બીજાને રાખ્યો. તેથી મેં તમારા વિરૂધ્ધ આ બધું કર્યું. હવે પૈસા આપો છો એટલે જવા દઉં છું. નહીંતર તમને દેખાડત કે આમાં શું શું થાય.