જસદણનો કાપડનો વેપારી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, ચાર શખ્સો સામે ગુનો
મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધું છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી
એક વ્યાજખોરે વેપારીને મારકૂટ પણ કરી હતી, જો કે વેપારીએ ડર લાગતા ફરિયાદ પણ ન નોંધાવી
રાજકોટ: જસદણના ગોખલાણા રોડ પરના લાતીપ્લોટમાં રહેતા અને આદમજી રોડ પર કપડાની દુકાન ધરાવતા દિલીપ જેન્તીભાઈ વાઘેલાએ ચાર વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમાં દિલીપભાઈએ જણાવ્યું છે કે બે વર્ષ પહેલા તેણે કપડાની દુકાન શરૂ કરી હતી. જે માટે પૈસાની જરૂર પડતાં તેના જ વિસ્તારમાં રહેતા અશોક ઉનડભાઈ ધાધલ પાસેથી રૂા. બે લાખ ૮ ટકા વ્યાજે લીધા હતા. બે વર્ષ સુધી રૂા. ૧૬ હજાર લેખે કુલ રૂા. ૩.૮૪ લાખ ચૂકવ્યા હતાં.
તેને વ્યાજ ચૂકવવા માટે પૈસાની જરૂરિયાત પડતા રાજકોટ રહેતા સંબંધી ભરત ઉગરેજીયાના પાડોશી શિવકુ વીરાભાઈ ખાચર પાસેથી રૂા. બે લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. બદલામાં તેને પત્ની નીતાબેનના નામના પાંચ ચેક આપ્યા હતાં. બે વર્ષ સુધી તેને રૂા. ૨૦ હજાર લેખે રૂા. ૪.૮૦ લાખ ચૂકવ્યા હતાં.
વ્યાજે ચૂકવવા માટે તેણે બાબરાના કોટડાપીઠાના ગૌતમ બોરીચા કે જે તેના ગ્રાહક હતા, તેની પાસેથી રૂા. બે લાખ ૮ ટકા વ્યાજે લીધા હતા. બે વર્ષ સુધી તેને રૂા. ૧૬ હજાર લેખે વ્યાજ ચૂકવ્યું હતું. આ રીતે તેને કુલ રૂા. ૩.૮૪ લાખ ચૂકવ્યા હતાં.
આ જ રીતે તેના બીજા ગ્રાહક જસદણના પોલારપર ગામના વાલા ભરવાડ પાસેથી રૂા. ૨.૫૦ લાખ ૩ વર્ષ પહેલા વ્યાજે લીધા હતાં. ૯૦ દિવસમાં રૂા. ૪ લાખ ચૂકવવાનું કહ્યું હતું. બદલામાં પુત્ર સાગરના નામના ત્રણ ચેક આપ્યા હતાં. ત્રણ મહિના પછી રૂા. એક લાખ ચૂકવ્યા હતાં.
ત્યારબાદ તેણે શિવકુ અને વાલા પાસેથી ચેક માગતા પરત આપ્યા ન હતા. એટલું જ નહીં વધુ વ્યાજની ઉઘરાણી કરી હતી. સાથોસાથ ચેક રિટર્ન કરાવવાની ધમકી પણ આપી હતી. તમામ આરોપીઓને છેલ્લા છ મહિનાથી વ્યાજ તથા મૂળ રકમ ચૂકવી દીધી હોવા છતા બળજબરીથી વધુ વ્યાજ કઢાવવા માટે ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
આરોપીઓના ત્રાસને કારણે ચારેક મહિના પહેલા તેણે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જેને કારણે આરોપીઓએ તેના પત્ની અને પુત્રના ફોનમાં કોલ કરી ઉઘરાણી કરવાની સાથોસાથ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. બે મહિના પહેલા ગૌતમે નવા બસ સ્ટેન્ડ પાસે બોલાવીને મારકૂટ પણ કરી હતી. આરોપીઓનો ડર લાગતા આખરે પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે જસદણ પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.