જામખંભાળિયાના મુખ્ય માર્ગો ઉબડખાબડ વરસાદને કારણે રસ્તાઓમાં ઠેર-ઠેર ગાબડા
નવા અને જુના રસ્તાઓ ધોવાઇ જતાં વાહન ચાલકો ત્રસ્ત
રામનાથ મંદિર નજીકથી ગામમાં પ્રવેશતા પુલ પાસે જ મસમોટા ગાબડાથી સતત અકસ્માતનો ભયઃ હાડકા ખોખરા થઇ જાય તેવી હાલત
જામ ખંભાળિયા: ખંભાળિયા શહેરમાં હાલ ચોમાસાની તુમાં પ્રથમ વરસાદથી વરસી ગયેલા ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના માર્ગો જર્જરીત બની ગયા છે. ઠેર-ઠેર રસ્તા પરના પડેલા ગાબડાથી વાહન ચાલકો ભારે ત્રસ્ત બની ગયા છે અને રસ્તાના નબળા કામોના આક્ષેપો પણ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે.
ખંભાળિયા શહેરમાં ચોમાસાના પ્રારંભથી જ વ્યાપક મેઘ મહેર વરસી હતી. આ વચ્ચે રસ્તા માટે આ મેઘ મહેર જાણે નુકસાનકર્તા સાબિત થઈ હોય તેમ નવા બનેલા રસ્તા તેમજ જુના રસ્તાઓ મહદ અંશે ધોવાઈ ગયા છે. ખંભાળિયામાં જામનગર ફાટક તરફથી પ્રવેશવાના માર્ગ ઉપર મસ મોટા ગાબડા બની ગયા છે. આનાથી આગળ જડેશ્વર રોડથી ચાર રસ્તા સુધીનો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રસ્તો પણ ઠેર ઠેર ધોવાઈ ગયો છે.
રામનગર-રામનાથ મંદિર નજીકથી ગામમાં પ્રવેશતા પૂલ નજીકના મસમોટા ગાબડાથી અહીં નીકળતા વાહન ચાલકો નાના-મોટા અકસ્માતોનો ભોગ બને છે. અહીં ટુ વ્હીલર, રીક્ષા કે કારમાં નીકળતા લોકોના હાડકા ખોખરા થઈ જાય છે. શહેરમાં બજાણા રોડ પર દેના બેંક પાસેથી જોધપુર ગેઈટ તરફ જતા રસ્તાની હાલત પણ ખરાબ જોવા મળે છે.
સ્ટેશન રોડ સહિતના અનેક નવા રસ્તાઓ પણ ધોવાઈ જતા વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો લોકો કરી રહ્યા છે. આ રીતે શહેરના ગુણવત્તા વગરના માર્ગો ધોવાઈ જતા હવે આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા રોડ રીપેરીંગની ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો વહેલી તકે નગરપાલિકા દ્વારા સદુપયોગ કરવામાં આવે તેવી સુજ્ઞા નગરજનોમાં માંગ ઉઠી રહી છે.